પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૪
સરદાર વલ્લભભાઈ


ગાંધીજી ૧૯૩૪માં વર્ધા રહેવા ગયા ત્યાર પછી દર વરસે લગભગ એક મહિનો તેઓ ગુજરાતમાં રહે એવી સરદારે તેમની સાથે ગોઠવણ કરી હતી. આ મહિના દરમ્યાન ગુજરાતના બધા કાર્યકર્તાઓ ગાંધીજીને મળે અને પોતાની શંકાઓ તથા મુશ્કેલીઓ વિષે ગાંધીજીની દોરવણી મેળવે એવી વ્યવસ્થા સરદાર કરતા. એ પ્રમાણે તા. ૧૧મી ડિસેમ્બરથી ૧૦મી જાન્યુઆરી સુધી ગાંધીજી બારડોલી આવીને રહ્યા હતા. એટલે કારોબારી સમિતિની બેઠક તા. ર૩મી ડિસેમ્બરે બારડોલીમાં લાવવામાં આવી. બેઠક સાત દિવસ ચાલી. તેમાં ખૂબ ચર્ચાઓ થઈ. એને અંતે ૧૯૪૦ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે મુંબઈની મહાસમિતિમાં પસાર થયેલો ઠરાવ કાયમ રાખવામાં આવ્યો. પરંતુ ચર્ચા દરમ્યાન માલૂમ પડ્યું કે, એ ઠરાવના અર્થગ્રહણ વિષે કારોબારી સમિતિના સભ્યોમાં મતભેદ પ્રવર્તતો હતો. તે ઉપરથી તા. ૩૦મીએ ગાંધીજીએ કૉંગ્રેસના પ્રમુખ તરીકે મૌલાના સાહેબને નીચેનો કાગળ લખ્યો :

“કારોબારી સમિતિમાં થયેલી ચર્ચા દરમ્યાન મને જણાઈ આવ્યું છે કે, મુંબઈના ઠરાવનો અર્થ કરવામાં મેં ભારે ભૂલ કરી હતી. મેં તેનો એવો અર્થ કર્યો હતો કે કૉંગ્રેસ મુખ્યત્વે અહિંસાના કારણસર અત્યારના તેમ જ બીજા તમામ યુદ્ધમાં ભાગ લેવાની ના પાડતી હતી. સમિતિના ઘણાખરા સભ્યો મારા અર્થનો અસ્વીકાર કરતા હતા, અને કૉંગ્રેસનો વિરોધ અહિંસાના કારણસર હોવું આવશ્યક નહોતો એમ માનતા હતા, એ જોઈને મને આશ્ચર્ય થયું. મુંબઈનો ઠરાવ ફરી વાંચી જોતાં મને જણાવ્યું કે, ભિન્ન મત ધરાવનારા સભ્યોની વાત સાચી હતી અને એ ઠરાવમાં જે અર્થ મેં જોયેલો તે તેના શબ્દાર્થમાંથી નીકળી શકતો નહોતો. મારી આ ભૂલ મને જણાઈ છે તેથી જેમાં અહિંસા અનિવાર્ય નહોય એવાં કારણોસર યુદ્ધપ્રયત્નનો વિરોધ કરવાની લડતમાં કૉંગ્રેસની આગેવાની કરવી મારે માટે અશક્ય બની જાય છે. દા. ત. ગ્રેટબ્રિટન સામેના દ્વેષના કારણસર યુદ્ધપ્રયત્નનો વિરોધ કરવામાં મારાથી ભળી ન શકાય. હિંદુસ્તાનની સ્વતંત્રતાની બાંહેધરી આપવામાં આવે તો તેની કિંમત તરીકે યુદ્ધપ્રયત્નોમાં માણસ અને ધનથી બ્રિટનને સાથ આપવો એવી ધારણા એ ઠરાવમાં રહેલી હતી. જો મારો પણ એવો મત હોય અને સ્વતંત્રતા મેળવવા માટે હિંસાનો પ્રયોગ કરવામાં હું માનતો હોઉં અને તેમ છતાં સ્વતંત્રતાની કિંંમત તરીકે યુદ્ધપ્રયત્નમાં ભાગ લેવાની ના પાડું તો હું દેશવિરોધી વર્તન કરું છું એમ હું માનું. પણ મારી તો દૃઢ માન્યતા છે કે, કેવળ અહિંસા જ હિંદુસ્તાનને અને જગતને આત્મનાશમાંથી ઉગારી શકે એમ છે. એમ હોવાથી હું એકલો હોઉં, અથવા મને કોઈ સંસ્થાની કે વ્યક્તિઓની મદદ હોય, પણ મારે મારું જીવન કાર્ય ચાલુ રાખવું રહ્યું. તેથી મુંબઈના ઠરાવે મારા ઉપર મૂકેલી જવાબદારીમાંથી આપ મને મુક્ત કરશો. જે કૉંગ્રેસીઓ અને બીજાઓને હું પસંદ કરું અને જેઓ મેં કલ્પેલી અહિંસાને માનનારા હોય, ને ઠરાવેલી શરતોનું પાલન કરવા રાજી