પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૪
સરદાર વલ્લભભાઈ

કરવા પ્રજા ઉત્સાહિત થાય એવી કશી સાચી સત્તા આ દરખાસ્તોમાંથી અમને મળતી નથી. આવી મતલબનું સંભળાવીને ગાંધીજી તો તરત જ દિલ્હીથી સેવાગ્રામ જવા ઇચ્છતા હતા. પણ મૌલાના સાહેબના આગ્રહથી તા. ૪થી એપ્રિલ સુધી તેઓ દિલ્હી રોકાયા.

ક્રિપ્સ સાહેબ કેવી દરખાસ્તો લઈને આવ્યા હતા તે હવે આપણે જોઈએ :

“હિન્દુસ્તાનના ભવિષ્યને અંગે જે વચનો આપેલા છે તેના પાલનની બાબતમાં આ દેશમાં (ઇંગ્લંડમાં) તેમ જ હિન્દુસ્તાનમાં જે ચિંતા સેવાય છે તે ઉપર વિચાર કરીને ના. શહેનશાહની સરકારે એવું નક્કી કર્યું છે કે હિન્દુસ્તાનમાં વહેલામાં વહેલી તકે સ્વરાજ્ય સ્થપાય તે માટે બ્રિટિશ સરકાર જે પગલાં લેવા માગે છે તે ચોક્ક્સ અને સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરવાં. અમારો હેતુ એ છે કે, નવા હિન્દી સંઘનું સર્જન કરવું. એ સંઘ ગ્રેટબ્રિટન અને બીજાં વસાહતી રાજ્યોની જેમ તાજ પ્રત્યે રાજનિષ્ઠા ધરાવતા એક વસાહતી રાજ્ય જેવો હશે. તમામ બાબતોમાં તેમની સાથે એ સમાન દરજ્જો ધરાવતો હશે. પોતાની આંતરિક તેમ જ બહારના વહીવટની કોઈ પણ વસ્તુની બાબતમાં તે પરાધીન નહીં હોય.
“તે માટે નામદાર શહેનશાહની સરકાર નીચેની જાહેરાત કરે છે:
“(અ) લડાઈ બંધ થાય કે તરત હિન્દુસ્તાનમાં નીચે જણાવેલી રીતે એક ચૂંટાયેલી સભા સ્થાપવા માટે પગલાં લેવામાં આવશે. એ સભાનું કામ હિન્દુસ્તાનનું નવું બંધારણ ઘડવાનું હશે.
“(બ) આ બંધારણ ઘડનારી સભામાં હિન્દુસ્તાનનાં દેશી રાજ્યો ભાગ લઈ શકે તે માટે નીચે જણાવ્યા પ્રમાણે જોગવાઈ કરવામાં આવશે.
“(ક) આવી રીતે ઘડવામાં આવેલું બંધારણ સ્વીકારવાને અને અમલમાં મૂકવાને ના. શહેનશાહની સરકાર બંધાય છે, માત્ર એટલી વસ્તુને આધીન રહીને કે,
(૧) બ્રિટિશ હિન્દુસ્તાનના કોઈ પ્રાંતની નવું બંધારણ માન્ય રાખવાની તૈચારી નહીં હોય તો તેને પોતાની હાલની બંધારણીય સ્થિતિ કાયમ રાખવાનો હક્ક રહેશે. સાથે સાથે એવી જોગવાઈ પણ રહેશે કે પાછળથી તે નવા બંધારણમાં જોડાવાનું નક્કી કરે તો તેઓ જોડાઈ શકશે.
આવી રીતે નહીં જોડાનારા પ્રાંતોની જો એવી ઇચ્છા હશે તો ના. શહેનશાહની સરકાર તેમને પોતાનું બીજું બંધારણ ઘડવા દેવા કબૂલ થાય છે. અહીં જણાવેલી રીતે હિન્દી સંઘને જે દરજ્જો આપવામાં આવશે, પૂરેપૂરો તેવો જ દરજ્જો તેમને પણ આપવામાં આવશે.
(૨) ના. શહેનશાહની સરકાર અને બંધારણ ઘડનારી સભા વચ્ચે કોલકરારો (ટ્રીટી) કરવામાં આવશે. અને તેના ઉપર સહી કરવામાં આવશે. આ કોલકરારોમાં બ્રિટિશરોના હાથમાંથી હિન્દીઓના હાથમાં