પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૫
ક્રિપ્સ વિષ્ટિ

જવાબદારીની સંપૂર્ણ ફેરબદલી થવાને અંગે જે આવશ્યક વસ્તુઓ ઊભી થશે તે તમામનો સમાવેશ કરવામાં આવશે. ના. શહેનશાહની સરકારે જુદી જુદી કોમની અને ધર્મની લઘુમતીઓના રક્ષણ માટે જે બાંયધરીઓ આપેલી છે તે અનુસારની જોગવાઈ પણ આ કોલકરારોમાં હશે. પરંતુ ભવિષ્યમાં બ્રિટિશ રાષ્ટ્રસંઘનાં અંગભૂત બીજાં રાજ્યો સાથે હિન્દી સંઘે કોઈ સંબંધ રાખવો તે નક્કી કરવાની બાબતમાં હિન્દી સંઘની સત્તા ઉપર કશા અંકુશો મૂકવામાં આવશે નહીં.
“હિન્દુસ્તાનનું કોઈ પણ રાજ્ય, આ બંધારણ સ્વીકારવા ઇચ્છતું હોય કે ન ઇચ્છતું હોય, તે પ્રમાણે કોલકરારની શરતોમાં જરૂરી જણાય એવા ફેરફાર કરવાનું આવશ્યક થઈ પડશે.
“(ડ) બંધારણ ઘડનારી સભા નીચે લખ્યા અનુસાર રચવામાં આવશે, સિવાય કે મુખ્ય મુખ્ય કોમોના હિંદી લોકમતના નેતાઓ લડાઈ પૂરી થાય તે પહેલાં બીજી કોઈ રીત વિષે સંમત થયા હોય.
“લડાઈ પૂરી થયા પછી પ્રાન્તિક ચૂંટણીઓ કરવામાં આવશે. તેનાં પરિણામ જણાય કે તરત દરેક પ્રાન્તની નીચલી ધારાસભાના સભ્ય પ્રમાણસર પ્રતિનિધિત્વની પદ્ધતિથી બંધારણ ઘડનારી સભા ચૂંટવાનું કામ કરશે. આ નવી સભાની સંખ્યા પ્રાન્તિક ધારાસભ્યના દશમા ભાગ જેટલી હશે.
“હિંદુસ્તાનનાં દેશી રાજ્યોને પણ પોતાના પ્રતિનિધિઓ નીમવાનું કહેવામાં આવશે. તેમની સંખ્યા બ્રિટિશ હિંદુસ્તાનના પ્રતિનિધિઓની માફક તેમની કુલ વસ્તીના પ્રમાણમાં હશે. અને તેમને બ્રિટિશ હિંદુસ્તાનના સભ્યોના જેટલી જ સત્તા હશે.
“(ઈ) હિંદુસ્તાન સામેના અત્યારના કટોકટીના સમય દરમ્યાન અને જ્યાં સુધી નવું બંધારણ ઘડાય નહી ત્યાં સુધી ના. શહેનશાહની સરકારે પોતાના વિશ્વયુદ્ધ પ્રયાસના એક ભાગ તરીકે હિંદુસ્તાનના રક્ષણની જવાબદારી અનિવાર્ય રીતે ઉઠાવવી પડશે, એ રક્ષણનું સંચાલન કરવું પડશે તથા તેના ઉપર અંકુશ રાખવો પડશે. પરંતુ હિંદુસ્તાનમાં લશ્કરી, નૈતિક અને આર્થિક સાધનો પૂરેપૂરાં સંગઠિત કરવાના કામની જવાબદારી હિંદુસ્તાનના લોકોના સહકારથી હિંદી સરકારની રહેશે. ના. શહેનશાહની સરકાર ઇચ્છે છે અને એ વસ્તુને આવકારે છે કે હિંદી લોકોના મુખ્ય મુખ્ય પક્ષના નેતાઓ પોતાના દેશની, બ્રિટિશ રાષ્ટ્રસંઘની તેમ જ સંયુકત રાષ્ટ્રોની સલાહમસલતમાં તત્કાળ અને અસરકારક ભાગ લે. એમ કરીને જ, હિંદુસ્તાનની ભવિષ્યની સ્વતંત્રતા માટે જે કામ બહુ મહત્ત્વનું ને આવશ્યક છે તે પાર પાડવામાં તેઓ સક્રિય અને રચનાત્મક મદદ આપી શકશે.”

તા. ર૯મીથી ક્રિપ્સે કારોબારી સમિતિના સભ્યો સાથે મસલતો શરૂ કરી. તે દરમ્યાન રાષ્ટ્રીય સરકાર અને બ્રિટિશ પ્રધાનમંડળના જેવા તેના દરજ્જા વિષે તેમણે જે વાત કરેલી તેમાંથી તેઓ ધીમે ધીમે ખસતા ગયા. આ દરખાસ્તોમાં હિંદી પ્રજાને યુદ્ધમાં ભાગ લેવાનું શૂર ચડે, આપણી પોતાની