પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૧૬
સરદાર વલ્લભભાઈ

પગલું લેવું જ હોય તે આ રીતે અંદરની ફૂટ જાહેર કરીને એ લઈ શકાય તેમ નહોતું. એટલે આ મતભેદને દાબી દેવો એ જ યોગ્ય લાગ્યું. ગાંધીજીનો ઠરાવ કોઈ પણ રૂપમાં રજૂ ન કરાયો. હા, એટલું થયું કે, જે ઠરાવ પસાર થયો એમાં ગાંધીજીના ભાવનો સારી પેઠે સમાવેશ કરવામાં આવ્યો. જ્યારે ગાંધીજીએ એ ઠરાવ જોયો ત્યારે એમણે કહ્યું કે, જોકે એ મને પૂરેપૂરો પસંદ પડતો નથી, છતાં એમાં મારે કામ કરવાને માટે પૂરતો અવકાશ છે, એટલે હું એને સ્વીકારું છું.”

ક્રિપ્સની વિષ્ટિમાંથી ઈંગ્લંડની મેલી દાનતનો પુરાવો પૂરેપૂરો મળી રહેતો હતો. લડાઈ દરમ્યાન તેઓ હિંદુસ્તાન ઉપરની પોતાની પકડ જરાયે ઓછી કરવા ઈચ્છતા નહોતા. અને લડાઈ પછી પણ જે વસાહતી દરજજો આપવાની તેઓ વાત કરતા હતા તેમાં દેશના એવા ભાગલા પાડી નાખવાની પેરવી હતી કે, એક તરફથી પોતાની કશી જવાબદારી ન રહે છતાં બીજી તરફથી દેશ ઉપરની પકડ એવી ને એવી મજબૂત રાખી શકે. વિષ્ટિ ચાલી ત્યાં સુધી તો ગાંધીજીએ મૌન સેવ્યું પણ પછીથી એમણે જાહેર કર્યું કે, અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે જોતાં, કેવળ હિંદુસ્તાનના હિતને અર્થે જ નહીં, પણ ઈંગ્લંડ તથા મિત્રરાજ્તોના હિતને અર્થે તેમ જ જગતની શાંતિને અર્થે પણ ઈંગ્લડે હિંદ છોડીને ચાલ્યા જવું જોઈએ. તેથી જ તેમણે પોતાનો ઉપરનો ઠરાવ મહાસમિતિને મોકલી આપ્યો. તેમાં તેમણે અહિંસાનો જે આગ્રહ રાખ્યો છે, તેટલે સુધી જવા મહાસમિતિના ઘણા સભ્યો તૈયાર નહોતા. એટલે અલાહાબાદની મહાસમિતિએ પોતાની ઢબે ઠરાવ કર્યો. તેમાં બ્રિટને હિંદ છોડવું જોઈએ એ વસ્તુ તો માન્ય રાખી જ. મહાસમિતિના ઠરાવમાંથી કેટલાક પ્રસ્તુત ભાગ નીચે આપ્યા છે :

“ બ્રિટિશ સરકારની દરખાસ્તો અને સર સ્ટેફર્ડ ક્રિપ્સે કરેલા તેના વિશેષ વિવરણથી સરકાર પ્રત્યે વધારે કડવાશ અને અવિશ્વાસ પેદા થયાં છે. બ્રિટન સાથે અસહકારની વૃત્તિ પણ વધવા પામી છે. કેવળ હિંદ માટે નહીં, પણ સંયુક્ત રાષ્ટ્રો માટે પણ ભયની આ વેળાએ તેમણે બતાવી આપ્યું છે કે, બ્રિટિશ સરકાર સામ્રાજ્યવાદી સરકાર તરીકે જ કાયમ રહેવા માગે છે, અને હિંદુરતાનનું સ્વાતંત્ર્ય સ્વીકારવાનો અથવા તો પોતાની જરા પણ સત્તા છોડવાનો ઇનકાર કરે છે.”



“ મહાસમિતિને પ્રતીતિ થયેલી છે કે, હિંદુસ્તાન પોતાના બળ વડે જ સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકશે અને પોતાના બળ વડે જ તે સાચવી શકશે. અત્યારનો કટોકટીનો મામલે જોતાં, તેમ જ સર સ્ટેફર્ડ ક્રિપ્સ સાથે ચાલેલી વાટાધાટો દરમ્યાન જે અનુભવ મળ્યો છે તે જોતાં, હિંંદુરતાનમાં બ્રિટનનો કાબૂ અથવા તેની સત્તા આંશિક રીતે પણ કાયમ રાખે એવી કોઈ યોજનાઓ