પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨૧
હિંદ છોડીને ચાલ્યા જાઓ

લડત ઉપાડવાના ઠરાવ ઉપર આવ્યા. એ ઠરાવના મહત્વના ફકરા નીચે આપ્યા છે :

"રોજ રોજ બનતા બનાવોએ તથા હિંદી પ્રજાને થઈ રહેલા કડવા અનુભવોએ કૉંગ્રેસીઓના એ અભિપ્રાયને સાચો ઠરાવ્યો છે કે હિંદમાંથી બ્રિટિશ રાજનો અંત આવવો જ જોઈએ. સારામાં સારી હોય તોપણ, પરદેશી સત્તા મૂળ જ એક અનિષ્ટ છે, તથા તાબેદાર પ્રજાને માટે નિરંતર હાનિરૂપ છે, એટલા ખાતર જ નહીં પણ હિંદીઓ પોતાનું રક્ષણ કરી શકે તેમ જ માનવજાતિનું નિકંદન કાઢી રહેલા યુદ્ધના ભાવિ ઉપર અસર પાડવામાં સક્રિય ભાગ લઈ શકે એટલા માટે પણ, બ્રિટિશ રાજનો હિંદમાંથી અંત આવવો જોઈએ. હિંદની સ્વતંત્રતા માત્ર હિંદના હિતની દૃષ્ટિએ જ આવશ્યક છે એમ નથી પણ દુનિયાની સલામતી માટે તથા નાઝીવાદ તથા ફાસીવાદ અને લશ્કરવાદ તેમ જ સામ્રાજ્યવાદનાં ઇતર સ્વરૂપોનો અંત લાવવા માટે તથા એક પ્રજાનું, બીજી પ્રજા ઉપરનું આક્રમણ અટકાવવા માટે પણ એ આવશ્યક છે.

“ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી કૉંગ્રેસે ઇરાદાપૂર્વક બ્રિટનને ન મૂંઝવવાની નીતિ અખત્યાર કરી છે. પોતાની સત્યાગ્રહની ચળવળ બિનઅસરકારક થઈ જાય ત્યાં સુધીનું જોખમ ખેડીને પણ તેણે તેને જાણીબૂજીને સાંકેતિક સ્વરૂપ આપ્યું. એમ કરવામાં તેની મુરાદ એ હતી કે ન મૂંઝવવાની એ નીતિના સંપૂર્ણ પાલનની ઘટતી કદર થશે અને પ્રજાના પ્રતિનિધિઓને સાચી સત્તા સોંપી દેવામાં આવશે, જેથી કરીને જે માનવી સ્વતંત્રતા આજે કચરાઈ જવાના જોખમમાં આવી પડી છે તેની દુનિયાભરમાં સ્થાપના કરવાના કાર્યમાં આ રાષ્ટ્ર પોતાને પૂરેપૂરો ફાળો આપી શકે. એણે એવી પણ આશા રાખી હતી કે, હિંદ પ૨નો બ્રિટનનો ફાંસો વધારે સખત થાય એવું કશું પગલું તો નહીં જ ભરવામાં આવે.

"પરંતુ એ બધી આશાઓ નષ્ટ થઈ છે. ક્રિપ્સની પરિણામશુન્ય દરખાસ્તોએ એ સ્પષ્ટ બતાવી આપ્યું છે કે, બ્રિટિશ સરકારના હિંદ પરના વલણમાં કશો ફેરફાર થયો નથી, તથા બ્રિટિશરોનો હિંદ ઉપરનો કાબૂ ઢીલો પડે તેમ નથી. સર સ્ટેફર્ડ ક્રિપ્સ સાથેની વાટાધાટોની નિષ્ફળતાને પરિણામે ઇંગ્લંન્ડની સામે કડવાશની લાગણી બહુ ઝડપથી અને મોટા પ્રમાણમાં વધવા પામી છે તથા જપાની સૈન્યના વિજય પરત્વે આનંદની ભાવના પેદા થઈ રહી છે. કારોબારી સમિતિ આ ફેરફારને ભારે ભયની નજરે જુએ છે, અને એ વસ્તુને રોકવામાં ન આવે તો અનિવાર્યપણે એ, આક્રમણનો પરોક્ષ રીતે સ્વીકાર કરી લેવામાં પરિણમશે. કારોબારી સમિતિ માને છે કે, કોઈ પણ આક્રમણનો સામનો કરવો જ જોઈએ; કેમ કે, તેને કોઈ પણ રીતે વશ થવું એનો અર્થ હિંદી પ્રજાની અધોગતિ અને નિરંતર પરાધીનતા વહોરવી એ થાય. મલાયા, સિંગાપુર અને બ્રહ્મદેશનો અનુભવ હિંદને માટે ટાળવા કૉંગ્રેસ આતુર છે અને હિંદ ઉપરની જપાન કે બીજી કોઈ પણ વિદેશી સત્તાની ચડાઈનો પ્રતિકાર કરવાની યોજના કરવાની કૉંગ્રેસ આશા રાખે છે. કૉંગ્રેસ એમ પણ ઇચ્છે છે કે ઈંગ્લંન્ડ સામેની આજની આ કડવાશની લાગણી પલટાઈને તેના પ્રત્યે શુભેચ્છાની લાગણી પેદા થાય. પરંતુ હિંદ, જો સ્વાતંત્ર્યની ઉષ્મા અનુભવે તો જ આ શક્ય બને.