પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫
નવમી ઑગસ્ટ

તા. ૮મી ઓગસ્ટની મધરાતે મહાસમિતિએ, 'અંગ્રેજ ચલે જાઓ' અને ન જાય તો એમની સામે અહિંસક પણ પ્રચંડ અને દેશવ્યાપી બળવો જગાવવાનો ઠરાવ પસાર કર્યો. ગાંધીજીએ લાંબુ ભાષણ કરીને, ‘કરેંગે યા મરેંગે’ મંત્ર લોકોને આપ્યો. તેમના ભાષણની અસર એટલી બધી થઈ કે, જેમણે કોઈ દિવસ સવિનય ભંગની લડતમાં ભાગ લીધેલ નહીં એટલું જ નહીં પણ વિચારપૂર્વક તેનાથી દૂર રહેલા એવા લોકોને પણ લાગ્યું કે આ વખતે આપણે દેશની મુક્તિ માટે કાંઈને કાંઈ ન કરી છૂટીએ તો જીવતર મિથ્યા છે. જોકે ગાંધીજીએ તો પોતાના ભાષણમાં કહેલું કે હું તુરતાતુરત લડત શરૂ કરવાનો નથી. હજી હું વાઈસરૉયને મળીશ અને સમાધાનીનો છેવટનો પ્રયત્ન કરી જોઈશ. બીજા નેતાઓનાં પણ જુસ્સાદાર ભાષણો થયાં. રાજેન્દ્રબાબુ પોતાની જીવનકથામાં લખે છે કે, એમાં સરદાર વલ્લભભાઈના ભાષણનાં લોકોએ બહુ વખાણ કર્યા. એ આખું ભાષણ વાચકો 'સરદાર વલ્લભભાઈનાં ભાષણો' *[૧]ના પુસ્તકમાંથી વાંચી લેવું જોઈએ. અહીં તેમાંથી કેટલાક મહત્ત્વના ફકરા જ આપ્યા છે.

"આપણે આઝાદીની આખરી લડત ઉપાડવાના છીએ, એ સામે કેટલાક ટીકાકારો ધાકધમકી બતાવે છે અને કહે છે કે, તમે લડત ઉપાડશો તો તમારી ઉપર મુસીબત આવી પડશે. કોઈ શિખામણ આપીને શાણપણ બતાવે છે કે, તેથી તો મિત્રરાજ્યોના યુદ્ધપ્રયાસોને હાનિ પહોંચશે. આ બધી ધાકધમકીઓ અને સલાહ-શિખામણોના જવાબ અમારી પાસે છે. પણ અમે તેમને કેવી રીતે જવાબ આપીએ ? એ દેશોમાં અમારાં અખબારો નથી, રેડિયો પર અમારી સત્તા નથી, અને સરકારે તો સેન્સરના ચોકીપહેરા મૂકી દીધા છે. તે જેટલી વાત અહીંથી બહાર જવા દેશે તેટલી જ બહાર જશે. અમારા દિલની સાચી વાત તો બીજા દેશોમાં પહોંચવા જ નહીં પામે.

"સરકારનો પ્રચાર પરદેશમાં એવો છે કે, કૉંગ્રેસ સાથે છે કોણ? એ તો મુઠીભર માણસોની બનેલી છે, જે રોજ ઊઠીને આ બધી ધાંધલ કરે છે. નવ કરોડ મુસ્લિમો કૉંગ્રેસ સાથે નથી. સાત કરોડ હરિજનો સાથે નથી અને સાત કરોડ રાજસ્થાનીઓ પણ કૉંગ્રેસ સાથે નથી. ડાહ્યાડમરા ગણાતા વિનીતો સાથે નથી. રેડિકલો, ડેમોક્રેટો અને કોમ્યુનિસ્ટો પણ સાથે નથી. હું તો કહું છું કે અમારી સાથે કોઈ જ નથી, પણ પોતાને શરીફ કહેવડાવતા અંગ્રેજો તો છે ને ? અમારે


  1. *નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ; કિં. રૂ. ૫-૦-૦; ટપાલરવાનગી ૧-૦-૦.
૫૨૬