પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૩૨
સરદાર વલ્લભભાઈ

અધિકાર હોવા જોઈએ. અને સર્વ શેષ સત્તા તેમની પાસે રહેવી જોઈએ. પરસ્પરના લાભને અર્થે અને આક્રમણનો સામનો કરવાના સર્વેને સ્પર્શતા કાર્યમાં સહકાર કરવાને અર્થે સંયુક્ત રાષ્ટ્રોના જે પ્રતિનિધિઓ મસલતને માટે ભેગા થશે તેઓ હિંદ અને મિત્રરાજ્યો વચ્ચેના ભવિષ્યના સંબંધો નક્કી કરશે. મુક્તિ મળતાં જ પ્રજાના સંયુક્ત સંકલ્પબળથી અને સામર્થ્યથી આક્રમણનો પ્રતિકાર કરી શકાશે.

"હિંદની મુક્તિ, પરદેશી હકુમત નીચે દબાયેલી એશિયા અને આફ્રિકાની પ્રજાઓની મુક્તિનું એક પ્રતીક તેમ જ પુરોગામી બનવી જોઈએ. બ્રહ્મદેશ, મલાયા, હિંદી ચીન, ડચ ઇન્ડિઝ, ઈરાન અને ઇરાક, એ સર્વેને પણ સંપૂર્ણ સ્વાતંત્ર્ય મળવું જોઈએ. એ વાત બરાબર સમજાવી જોઈએ કે આ દેશ પૈકી જે અત્યારે જપાની હકૂમત નીચે આવી ગયા છે તે પૈકી કોઈ પણ દેશ કોઈ બીજી સત્તાને ધરાવનારી સત્તાના શાસન તળે મુકાવા ન જોઈએ.

“ મહાસમિતિને પ્રધાનપણે તો આ ભયની ઘડીએ હિંદની સ્વતંત્રતા અને તેના બચાવની સાથે જ સંબંધ હોવો જોઈએ, તોયે સમિતિનો અભિપ્રાય છે કે દુનિયાની ભાવિ શાંતિ, સુરક્ષિતતા અને સુવ્યવસ્થિત પ્રગતિને માટે આખી દુનિયાનાં સ્વતંત્ર રાષ્ટ્રોનું સમવાયતંત્ર સ્થપાય એ જરૂરનું છે. આવા તંત્રની સ્થાપના વિના બીજા કોઈ પણ પાયા પર આધુનિક જગતના એકે પ્રશ્નનો ઉકેલ નહી આવી શકે. આ સમવાયતંત્ર તેના બંધારણમાં દાખલ થયેલી સર્વ પ્રજાએાની સ્વતંત્રતાની રક્ષા કરશે, એક પ્રજાના બીજી પ્રજા ઉપરના આક્રમણ અને શોષણને અટકાવશે, રાષ્ટ્રમાંની લધુમતીઓનું રક્ષણ કરશે, પછાત પ્રદેશ અને પ્રજાની સુધારણા કરશે, અને જગતના સર્વે સાધનોને સર્વના સામાન્ય હિતને માટે સંગ્રહિત કરશે. આવા અખિલ જગતના સમવાયતંત્રની સ્થાપનાથી બધા દેશોમાં શસ્ત્રસંન્યાસ વહેવારુ રીતે પાર પડી શકશે, રાષ્ટ્રનાં પોતપોતાનાં જુદાં જુદાં લશ્કરો, લડાયક દરિયાઈ કાફલાઓ અને હવાઈ દળોની જરૂર નહીં રહે, અને સમવાયતંત્રની હકુમત નીચેનું એક સંરક્ષક સૈન્ય દુનિયાની સુલેહ જાળવશે તથા આક્રમણને અટકાવશે.

"સ્વતંત્ર હિંદ અખિલ જગતના આવા સમવાયતંત્રમાં ખુશીથી જોડાશે અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોના ઉકેલના કાર્યમાં બીજા દેશો સાથે સમાનતાને ધોરણે સહકાર કરશે.

“ સમવાયતંત્રના મૂળભૂત સિદ્ધાંત જેમને માન્ય હોય તે બધાં રાષ્ટ્રો તેમાં જોડાઈ શકશે. પરંતુ હાલ યુદ્ધનો કાળ છે એ જોતાં, શરૂઆતમાં એ સમવાયતંત્ર અનિવાર્ચ રીતે મિત્રરાજ્યો પૂરતું જ મર્યાદિત રહેશે. આવું પગલું આજે ભરવામાં આવે તો તેની યુદ્ધ ઉપર, ધરી સત્તાઓની પ્રજાઓ ઉપર તેમ જ ભવિષ્યમાં થનારી સુલેહ ઉપર ભારે અસર થવા પામશે.

“ આ સમિતિ એ વસ્તુની સખેદ નોંધ લે છે કે, યુદ્ધના કરુણ અને ચિત્તને ક્ષુબ્ધ કરનારા અનુભવ થવા છતાં અને દુનિયા ઉ૫ર અનેક જોખમ ઝઝૂમી રહ્યાં છે તોપણ ભાગ્યે જ ગણ્યાગાંઠ્યા દેશની સરકારો અખિલ