પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
સરદાર વલ્લભભાઈ


સંધિનો અંત આવે છે એવો અર્થ કરવાની જરૂર નથી. તે જ તારીખે વાઈસરૉયને લાંબો કાગળ લખીને પૂછાવ્યું કે,

“તમે સંધિને હવે સમાપ્ત થઈ ગણો છો કે કૉંગ્રેસ ગોળમેજી પરિષદમાં ભાગ ન લે તે છતાં સંધિ હજી ચાલુ રાખવાની છે ? જો સંધિ ટકવાની હોય તો હું કહેવાની ધૃષ્ટતા કરું છું કે પ્રથમ રજૂ કરેલી ફરિયાદો વિષે તરત દાદ મળવી જરૂરી છે. મેં પ્રથમ કહ્યું તેમ બીજી ફરિયાદો આવતી જ જાય છે અને સાથીઓ આગ્રહ કરે છે કે જો સવેળા દાદ ન મળે તો તેમને કાંઈ નહીં તો બચાવના ઉપાય લેવાની છુટ્ટી મળવી જોઈએ.”

આનો જવાબ વાઈસરૉયે તા. ૧૯-૮-’૩૧ના કાગળથી આપ્યો. તેમાં જણાવ્યું :

“ગોળમેજી પરિષદમાં પોતાના પ્રતિનિધિને મોકલવાની કૉંગ્રેસ ના પાડે છે તેથી ઊભી થતી પરિસ્થિતિની બાબતમાં હું કહીશ, અને તમે પણ એ જોઈ શકશો કે જે હેતુઓ સાધવાને માટે સંધિ હતી તેમાં એક મુખ્ય હેતુ કૉંગ્રેસના આ નન્નાથી માર્યો જાય છે.

“સંધિની રૂએ જે કાર્યો કરવાનું સરકારને પ્રાપ્ત થતું હશે પણ જેનો અમલ હજી કરવાનો બાકી રહી ગયો હશે, એવા કેસમાં સ્થાનિક સરકારો સાથે મસલત કરીને હિંદી સરકાર સંધિનું પાલન કરાવશે.
“સંધિની વીસમી કલમ મીઠાને લગતી છૂટો બાબતની છે. તે છૂટો રદ કરવાનો સરકારનો ઇરાદો નથી. બાકીની બાબતોમાં સામાન્ય કાયદાનો અમલ બંધ કરવામાં આવે અથવા મુલતવી રાખવામાં આવે એવું સંધિની શરતોમાંથી ફલિત નથી જ થતું, અને ખાસ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લેવાનો સંપૂર્ણ અધિકાર હિંદી સરકારને તથા સ્થાનિક સરકારોને રહે જ છે. કાયદાનો આવો અમલ કૉંગ્રેસની પ્રવૃત્તિઓ અંગે કરવાનો હશે ત્યારે પણ એ અમલ કયા સ્વરૂપનો હશે અને કેટલી હદ સુધીનો હશે તેનો મુખ્ય આધાર એ પ્રવૃત્તિઓ કેવા સ્વરૂપની છે તેની ઉપર રહશે. આ બાબતમાં તેના પોતાના અથવા તો સ્થાનિક સરકારોના અધિકાર ઉપર બંધન મૂકવા હિંંદી સરકાર અશક્ત છે.”

આટઆટલું થયા છતાં સર તેજબહાદુર સપ્રુ તથા શ્રી જયકર વગેરે મધ્યમમાર્ગી નેતાઓ ગાંધીજીને આગ્રહ કરતા જ રહ્યા કે હજી તમે વાઈસરૉયની મુલાકાત માગો અને તમારી માગણીઓ એની આગળ સ્પષ્ટ રીતે રજૂ કરો. એ લોકો તો ગાંધીજીને આ સલાહ આપીને ગોળમેજીમાં ભાગ લેવા વિલાયત ઊપડી ગયા. પણ માલવીયજી અને સર પ્રભાશંકર પટણી જેઓ પણ મુલાકાત માગવાના મતના હતા તેમણે ગાળમેજી માટે ઊપડી જવાનું મુલતવી રાખ્યું અને ગાંધીજી જો સીમલા જવાનું કબૂલ કરે તો