પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



૨.
દોલતની નસો


આમ અમુક પ્રજામાં પૈસાનું ચક્કર તે બદનમાં લોહી ફરવાની માફક છે. લોહી ઝપાટાથી ફરે છે તે યા તો તંદુરસ્તી અને કસરતની નિશાની હોય અથવા તો શરમ ઊપજવાની કે તાવની નિશાની હોય. શરીરની ઉપર એક જાતની લાલી તે તંદુરસ્તી બતાવે છે. બીજી લાલી તે ઘાસણીના રોગનું ચિહ્‌ન હોય. વળી એક જગ્યાએ લોહીનો ભરાવો થાય તો શરીરને નુકશાન થાય છે, તેમ એક જગ્યાએ પૈસાનો ભરાવો થાય તે પ્રજાની નુકસાનીનું કારણ થઈ પડે છે.

ધારો કે બે ખલાસી વહાણ ભાંગવાથી એક વેરાન કિનારા પર આવી પડ્યા છે. ત્યાં તેઓને પોતાની મહેનતે ખોરાક વગેરે નિપજાવવો પડે છે. જો તેઓ બંને તંદુરસ્ત રહી સાથે કામ કરે તો સારું ઘર બાંધે, ખેતર ખેડે ને ભવિષ્યમાં કંઈક બચાવે. આને આપણે ખરી દોલત કહી શકીએ.