પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯
દોલતની નસો

અને જો બંને સારી રીતે કામ કરે તો બંનેનો તેમાં સરખો હોસ્સો ગણાય. એટલે તેઓને જે શાસ્ત્ર લાગુ પડ્યું તે એ જ કે તેઓની મહેનતનાં ફળ તેઓને વહેંચી લેવાનો હક થયો. હવે ધારો કે થોડી મુદત પછી તેમાંથી એક જણને અસંતોષ થયો. તેથી તેઓએ જમીનના ભાગ પાડ્યા ને દરેક જણ પોતાને હિસાબે ને પોતાની મેળે કામ કરવા લાગ્યો. વળી ધારો કે અણીને વખતે એક જણ માંદો પડ્યો. એમ થવાથી તે બીજાને પોતાની મદદે બોલાવશે. ત્યારે બીજો કહી શકશે, 'હું એટલું કામ તમારે સારુ કરવા તૈયાર છું, પણ એવી શરતે કે જ્યારે કામ પડે ત્યારે તમારે મારે સારુ તેટલું જ કરવું. તમારે મને લખી આપવું પડશે કે જેટલા કલાક હું કામ કરું તેટલા કલાક તમારે મારી જમીન ઉપર ખપ પડ્યે કામ કરવું.' વળી ધારો કે માંદાની માંદગી લાંબી ચાલી ને દરેક વેળાએ પેલા સાજા માણસને ઉપર પ્રમાણે લખત આપવું પડ્યું. ત્યારે માંદો સાજો થાય તે વેળા દરેક જણની શી સ્થિતિ થઈ ? બંને જણ ગરીબ થયા ગણાય. કેમકે માંદો માણસ ખાટલે રહ્યો તે દરમ્યાન તેના કામનો લાભ ન મળ્યો. પેલો ભાઈબંધ ખૂબ વધારે કામ કરનારો છે એમ પણ માની લઈએ. છતાં તેણે જેટલો વખત માંદાની જમીનને આપ્યો તેટલો પોતાની જમીનમાંથી