પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨
સર્વોદય

ગણવી કે નહિ, તેનો આધાર રહ્યો છે. પ્રજાની પાસે આટલા પૈસા છે તેથી તે તેટલી પૈસાદાર છે એમ નહિ કહી શકાય. અમુક માણસના હાથમાં અમુક પૈસા તે ખંત, હોશિયારી ને આબાદાનીની નિશાની હોય; અથવા તો નાશકારક મોજમજા, અતિ જુલમ અને દગાની નિશાની હોય. અને આમ હિસાબ કરવો તે માત્ર નીતિ બતાવે છે એટલું જ નહિ, પણ અંકગણિતથી ગણાય તેવો પૈસો બતાવે છે. એક દોલત એવી કે જે પેદા થતાં બીજી દસ ગણીનો નાશ થયો હોય.

એટલે નીતિ અનીતિનો વિચાર કર્યા વિના દોલત એકઠી કરવાના ધારા ઘડવા એ તો માત્ર માણસની મગરૂરી બતાવનારી વાર્તા થઈ. 'સસ્તામાં સસ્તું ખરીદી મોંઘામાં મોંઘું વેચવું' એવો જે નિયમ છે તેના જેવું બીજું કશું માણસને નામોશી લગાડનારું નથી. 'સસ્તામાં સસ્તું લેવું' એ તો સમજ્યા. પણ ભાવ કેમ ઘટ્યા ? આગ લાગ્યા પછી પડી ગયેલા ઘરની ઈંટો સોંઘી હોઈ શકે છે. પણ તેથી આગ અને ધરતીકંપ એ પ્રજાના લાભને સારુ થયાં એમ કહેવાની કોઈની હિંમત નહિ ચાલે વળી 'મોંઘામાં મોંઘું વેચવું'