પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩
દોલતની નસો

એ સમજ્યા. પણ મોંઘવારી કેમ આવી ? રોટીનું દામ તમને આજે સારું મળ્યું. પણ તમે શું તે દામ મરતા માણસની છેલ્લી કોડી લઈને લીધું ? અથવા તો તમે તે રોટી કોઈ શાહુકારને આપી કે જે કાલે તમારું બધું પડાવી લેશે ? કે શું તમે તે કોઈ સિપાહીને આપી કે જે સિપાહી તમારી બૅંક લૂંટવા જનારો છે ? આમાંના એકે સવાલનો જવાબ તમે વખતે ન આપી શકો એવું બની શકે છે, કેમકે તમે જાણતા નથી. પણ તમે વાજબી દામે નીતિસર વેચી કે નહિ તે તો કહી શકો છો; અને વાજબી ન્યાયની જ દરકાર રાખવાની જરૂર છે. તમારા કામથી કોઈને દુઃખ ન થાય એટલું જ જાણવું ને તે પ્રમાણે કરવું, એ તમારી ફરજ છે.

આપણે જોઈ ગયા કે પૈસાની કિંમત માણસોની મજૂરી તે વડે મેળવવા ઉપર છે. જો મજૂરી મફત મળી શકે તો પૈસાની ગરજ રહેતી નથી. પણ માણસોની મજૂરી વગર પૈસે મળી શકે તેવા દાખલા જોવામાં આવે છે. અને પૈસાબળ કરતાં બીજું નીતિબળ વિશેષ કામ કરે છે એવા દાખલા આપણે જોઈ ગયા. પૈસા જ્યાં કામ નથી કરી શકતા ત્યાં સદ્‍ગુણ કામ કરે છે એમ પણ આપણે જોયું. ઇંગ્લંડમાં ઘણી જગોએ પૈસાથી માણસોને ભોળવી શકાતા નથી.