પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨
સર્વોદય

ને ઘરાક જાણે કે હું વચમાંથી કમાઈ લઉં. આમ વહેવાર બગડે છે ને માણસોમાં ખટપટ ઊભી થાય છે, ભૂખમરો જામે છે, હડતાળો વધીઑ પડે છે, શાહુકાર લફંગા બને છે ને ઘરાકો નીતિ સાચવતા નથી. એક અન્યાયમાંથી બીજા ઘણા પેદા થાય છે ને અન્તે શાહુકાર, વાણોતર ને ઘરાક બધા દુઃખી થાય છે ને પાયમાલ થાય છે. જે પ્રજામાં આવા રિવાજ ચાલે છે તે પ્રજા અન્તે હેરાન થાય છે. પ્રજાનો પૈસો જ ઝેર થઈ પડે છે.

તેથી જ જ્ઞાનીઓએ કહ્યું છે કે પૈસો જ્યાં પરમેશ્વર છે ત્યાં ખરા પરમેશ્વરને કોઈ પૂજતું નથી. દોલત અને ખુદાને અણબનાવ છે. ગરીબના ઘરમાં જ ખુદા વસે છે. આમ અંગ્રેજી પ્રજા મોઢેથી બોલે છતાં વહેવારમાં પૈસાને સર્વોપરી પદ આપે છે, પ્રજાના પૈસાદાર માણસની ગણતરી કરી પ્રજાને સુખી માને છે ને અર્થશાસ્ત્રીઓ પૈસો જલદીથી કેમ કમાવો તેના કાયદા ઘડે છે કે જે શીખીને પ્રજા પૈસો મેળવે. ખરું અર્થશાસ્ત્ર તો ન્યાયબુદ્ધિનું છે, દરેક સ્થિતિમાં રહી ન્યાય કેમ કરવો, નીતિ કેમ જાળવવી એ શાસ્ત્ર જે પ્રજા શીખે છે તે જ સુખી થાય. બાકી તો ફાંફાં છે ને વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવું બને છે. પ્રજાને ગમે તેમ કરી પૈસાદાર થતાં શીખવવું તે વિપરીત બુદ્ધિ શીખવવા જેવું છે.