પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫
ખરું શું?

કાઢી ધનાઢ્ય થવાના રસ્તા લેવા તે પાપક્ર્મ જેવું થવા સંભવ છે. પૈસો પેદા કરનારા ઘણા મળે છે, પણ રીતસર વાપરનારા થોડા છે. પૈસો પેદા કરી તેથી પ્રજાનો નાશ થતો હોય તો એ પૈસો કામનો નથી. છતાં હાલના જે કરોડપતિઓ છે તેઓ મોટી અને અનીતિવાળી લડાઈઓનું કારણ થઈ પડ્યા છે. આ જમાનાની ઘણીખરી લડાઈઓનું કારણ પૈસાનો લોભ જોવામાં આવે છે.

માણસો એમ કહેતાં જોવામાં આવે છે કે બીજાઓને સુધારવા જ્ઞાન આપવું એ બનવા જેવું નથી; તેથી જેમ રહેવું ઘટે તેમ રહેવું ને પૈસો એકઠો કરવો. આમ કહેનારા પોતે નીતિ સાચવતા નથી. કેમકે જે માણસ નીતિ સાચવે છે ને લોભમાં પડતો નથી તે પ્રથમ તો પોતાનું મન કાયમ રાખે છે, પોતે ખરા રસ્તામાંથી ચસતો નથી ને પોતાનાં કર્મથી જ બીજાની ઉપર અસર કરે છે. જેની પ્રજા બની છે તેઓ પોતે નીતિના નિયનો ન જાળવે ત્યાં સુધી પ્રજા નીતિમાન કેમ થાય ? આપણે ગમેતેમ વરતી આપણા પડોશીની અનીતિને સારુ તેની ભૂલ કાઢીએ એથી સારું પરિણામ કેમ આવે ?

આવા વિચારો કરતાં આપણે જોઈ શકીએ છીએ કે પૈસો એ માત્ર સાધન છે, અને તે વડે સુખ તથા દુઃખ બન્ને મેળવાય છે. જો સારા