પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
सासुवहुनी लढाई
 

ને સાક કરી પોતાના બે ભાઈઓને તથા માબાપને ઘણીક આજીજીએ ખવડાવ્યું. એ બધાં એ કામમાં નીચે હતાં તેવામાં સુંદરની પાસે ચંદા ગઈ ને તેને રોતી રાખી પોતાને દોરડાના બંધનથી ચામડી જે જે ઠેકાણે સુણી હતી તે દેખાડી. સુંદર કહે મારો વાંસો જુવો, મારું માથું, હાથ, પગ, જ્યાં જોવું હોય ત્યાં જુવો ત્યારે તમને ખબર પડશે. ચંદાએ તે જોયું કે પોતાનું દુખતો જાણે વિસારી ગઈ, ને બોલી હાય હાયરે મા આ મારનાર તે મુવો રાક્ષસ કે દઈત. એના કરતાં તો કસાઈ પણ સારો. વગેરે કહી તેને જરા શાંત કરીને બોલી મેં તમને આજ બપોરે રસ્તામાં જે વાત કહી હતી તે કર્યા વિના છૂટકો નથી, બીજો એકે ઉપાય નથી. સુંદર કહે હું તો તેમ ન કરું. ચંદા કહે જુવો સમજો, મારૂં કહ્યું માનો. રોજો દુર નથી, ને સુરજ આથમ્યા. પહેલાં ત્યાંથી પાછાં અવાશે એવું ફકીર કહ્યું છે એમ કહી તેની કને હા કહેવડાવી. બેહુએ વિચારી ઠેરવ્યું કે કાલે જમીને ચુલા અબોટ વગેરેથી ઝટ પરવારીને લુગડાંનો ગાંસડો લઈ બપોરે નદીએ ધોવા જવાને બહાને ફકીરને મુકામે જવું, ને ત્યાંથી તેની જોડે જમલાપીરને સ્થાનકે જવું.

બીજે દહાડે કામથી વેહેલાં ફારક થઈ બંને જણીઓ ધોવાના લુગડાનો ગાંસડો લઈ નીકળ્યાં. સુંદરે થોડી આનાકાની કરી ત્યારે ચંદાએ કહ્યું ધણી મારી નાંખશે કે તમે હાથે જીવ કાઢશો, માટે છેલ્લોવેલો ઉપાય તો કરી જુવો. સુંદર કહે ઠીક છે. આડે અવળે રસ્તે થઈ સાંઇને ઘેર પાછલે બારણેથી પેઠાં. સાંઈને અત્યંત આનંદ થયો. બેહને દીલાસો આપ્યો ને વાગ્યું હતું ત્યાં મળીઆગરૂ ને ચંદન ચોપડી તાડેક કરી. પછી બંનેને કોઈ ઓળખે નહીં માટે સુરવાળ, પેહેરન વગેરે મુસલમાની વેશ પહેરાવ્યો, પોતાના એક દોસ્તની વહેલ મંગાવી તેમાં તેમને બેસાડ્યાં, ને પોતાના ટટુ ઉપર સ્વાર થઈ ત્રણે જણ રવાના થયાં.