પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૯૯
 

કપડું ઓઢાડ્યું હતું. અંદર જઈ પીરના માથા ભણી જમણે પાસે ચંદા ને ડાબે પાસે સુંદરને બેસાડી ફકીર વચમાં બેઠો. બેહુની આગળ નાની લોઢાની અગ્નિથી ભરેલી એક એક શગડી ને રકાબીમાં લોબાન અને અગરબત્તી હતાં, ને રૂપાની છાબડીમાં ફુલના હાર હતા. દરેકજણી પાસે પીરને હાર ચડાવરાવ્યા, પછી દેરક જણીને કહે હું મંત્ર ભણું ને તમે આ શગડીમાં થોડો થોડો લોબાન ને અગરબત્તી નાંખો, ને મનમાં પીરસાહેબને યાદ કરો. રખવાળની બાયડીઓને કહે એને તાપથી બફારો થાય તો પંખે નાંખજો, બે ઘડીવાર એ ક્રિયા ચાલી એટલે સાંઈના દીલમાં પીર આવ્યા ને ધુણવા મંડ્યો. રખેવાળણી ને ચેલા તેને પગે લાગ્યા તે જોઈ ચંદાએ ને સુંદરે પણ તેમ કર્યું. એ વેળા સાંઈના દીલમાં પીર બોલ્યા કે ઉઠો બેટીઓ આ ઘોરની સાત પ્રદક્ષણા ફરો. સુંદર ને ચંદા તેમ કરીને બેઠાં ને સાંઈ ધુણ્યે ગયો. ચેલાએ રૂપાના પ્યાલામાં પાણી રેડયું તે પીરે મંત્ર્યું, ને કાગળ, લેખણ ને સાહી હતી તે લઈ અરબી હરફે બે ચીઠીઓ લખી; સુંદર ચંદાને ઝાડો નાંખ્યો, ને મંત્રેલું પાણી પાયું, ને કહે જાઓ બેટિયો તમારા મનોરથ પાર પડશે, હું જાઉં છું, બીજું જે કરવાનું બાકી છે તે આ ફકીર મારો ભગત કરશે, એની સેવા કરજો ને એનો હુકમ માનજો; બોલો 'અલઈલ્લા ઈલજીલ્લા મહમુદે રસુલ ઈલ્લા,' સુંદર ચંદાને એ સામટું વાક્ય બોલતાં બરોબર આવડ્યું નહીં ત્યારે ફરીને એક એક બોલ કહેવડાવ્યો, ને ધુણતો રહી ગયો. પછી ચેલાને કહે આ બાઈને સારૂ જુદા જુદા ઓરડામાં પલંગ પાથરો. ચેલા કહે સાહેબ બધું તઈઆર કરી રાખ્યું છે. સર્વે મંડળી ઉઠી કબરના ઓરડાની બહાર આવી. તે જ વખતે રોઝાના દરવાજા ઉઘડ્યા ને લોકનું હોકારા પાડતું મોટું ટોળું અંદર પેઠું. કોઈ સુંદરને બોલાવે, કોઈ ચંદાને બોલાવે, કોઈ કહે સાળા ફકીરને મારો, પકડો, જવા ન દેશો, ઝાલજો !!