પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૨૯
 

ચાખવું જોઈએ; રાણીએ પાંચે પકવાન સુના રૂપાના થાળમાં હાજર કર્યો ને કહ્યું એક બહુજ તોફે આચાર (અથાણું) છે તે લાવું. રાજા કહે આપ નહીં જાઓ લુંડીને મોકલો. રાણી કહે એને નહીં જડે મારા કબજામાં છે, એમ કહી બીજા ઓરડામાં ગઈ ને આગળથી બંદોબસ્ત કર્યા મુજબ પોતાના સિપાઇઓને બારણે બંદુકના બહાર કરવાને ફરમાવ્યું. બંદુકના અવાજ ધડ ધડ ઉપરા છપરી થવા લાગ્યા. પાદશાહે લુંડીને પુછ્યું એ શું? લુંડી કહે જી મને માલમ નથી. પાદશાહ કહે રાણી ક્યાં ગયાં ? હુંડી કહે અથાણું લેવાને ગયાં છે, હવણાં આવશે.

પેલો વજીર કોઠીમાં ગુંગળાવવા લાગ્યો, તેથી સ્થીર રહી શક્યો નહીં ને કોઠી થર થર ધ્રુજવા લાગી, કાજી ભારે કરી અકળાયો ને જરા જરા શરીર ખસેડવા લાગ્યો, તેથી તેના ઉપરનાં વાસણો ખખડડ્યાં. પાદશાહ કહે એ શું ખખડે છે, ને પેલી કોઠી કેમ હાલે છે. ગુલામડી કહે એ તો બિલાડી ઉંદર પકડતી હશે.

પાદશાહ – હા ખરું, હમણાં હું ઉંદર છું, ને તારી રાણી બિલાડી છે.

દાસી – નહીં જી એમ શું બોલો છો.

એટલે વધારે બંદુકના બહાર થયા.

દાસી – જી હું જોઈ આવું એ શું છે, ને મારી રાણીને વાર કેમ લાગી, તેને બોલાવી લાવું.

પાદશાહ – હા, જી.

છોડીએ ગઈ તે ગઈ. બંદૂકો છૂટતી જાય, ને બારણે જાણે કોઈની અસ્વારી આવી હોય તેવો શોર બકોર થાય. પાદશાહ ગભરાયો. ચારે તરફ બારીબારણાં બંધ દીઠાં, તે સમજ્યો કે કાંઈ દંગલબાજી છે. એવામાં પેલી ઘંટીએ લુંડી બેઠી હતી તે પર નજર ગઈ. એણે જાણ્યું કે તે ઉંઘે છે. તેને કહે ઓ લુંડી ઉઠ ઉઠ મને બહાર જવાનો રસ્તો બતાવ, લે આ બે મોહોર આપું. પણ લુંડી જવાબ આપે નહીં. પાદશાહને ચડી રીશ. તેણે લઈને બેચાર લાતો ચોઢી પણ લુંડી ઉંચુંએ જુએ નહીં. પાદશાહે તેનો સાલ્લો માથેથી ખેંચી મોઢું જોયું તો મૂંછાળો મરદ દીઠો. કોટવાળ ખસીઆણો પડી ગયો, ને પગે લાગી માફી માગવા મંડી ગયો.

પાદશાહ – અરે, કોટવાલ તમે અહીં ક્યાંથી ?

કોટવાલ - હેં હેં સાહેબ ભૂલ્યો, માફ કરો (કાનમાં,) જુવોને પેલા પાણીના હાંડા તળે કોણ છે, ને આ કોઠીમાં કોણ છે, તે જુવો સાહેબ,