પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૪૧
 

મોચાઈ જાય. એનો મામો સસરો કહે શું ચુડીઓ પહેરી બેઠા છીએ ? માથું જાય પણ નાક ન જવા દઉં. શત્રુને કદી નમું નહીં; હા જ્ઞાતિ કહે તે માથાપર પણ જ્ઞાતિએ મળીને ઠરાવ કર્યો નથી; એમ પાંચ દશ આસામી કોઈને ઘેર ભેગા થઈ ગમે તેમ બને તેમાં આપણે શું. હું દશા અગીઆરમુ સરાવીશ, જોઉં મને ક્યો સાળો પુછે છે, શું લુચ્ચાઓ નાતમાં ને આપણે નહીં ?

એ સાંભળીને રમાનંદના માણસોએ હીમત પકડી. એ ઘણા નહતા, પણ વિજીઆનંદના સાસરીનો જથો જબરો હતો ખરો. વિજીઆનાંદે સાર્યુંતો ખરું ને બારમાને દહાડે બાર ગોરણીને બાર બ્રાહ્મણ જમ્યાં. તેરમાની નાત જમાડવી તેનું કેમ કરવું? કેટલાકનું મત હતું કે નાતે નોતરાં કરવાં જે આવશે તે જમશે, ને બાકીના રહેશે, નહીં આવનારા થોડા જ નિકળશે. કેટલાકને એમ લાગ્યું કે ૧/૩ ઘરવાળા નહીં આવે ને રસોઈ નકામી પડી રહેશે; રસોઈ બગડે તો ધુળ નાખી પણ આબરૂ જાય તેનો વિચાર કરવો; માટે હાલ નાત જમાડવી બંધ રાખવી ને માત્ર ૧૩ બ્રાહ્મણ જમાડવા. હરીનંદ છુટી ઘેર આવશે ત્યારે મોટો વરો કરીશું એ બહાનું ઠીક છે. આ પાછલાનો મત પ્રબળ થયો.

જેમ દિવસ વિતતા ગયા તેમ સામા પક્ષનું કૌઅત વધતું જોઈ તેઓને ઘભરામણ થઈ. રમાનંદને અનપુણા આટકેશ્વરના દેહેરામાં જઈ લાંઘવા બેઠાં. પાણીએ પીએ નહીં ને ખાવાએ જાય નહીં. એક દહાડો એમ ગયો. બીજે દિવસે પંદર વશ બ્રાહ્મણોએ મળી નોતરીઆને બોલાવી કહ્યું આજે ત્રીજે પોહોરે આટકેશ્વરના દેહેરામાં નાત મળવાની છે એવી ખબર ઘેરે ઘેર કરી આવ. નોતરીઓ ફરી આવ્યો ને બાર પર બે વાગવા આવ્યા કે ભટ્ટાઓનો જમાવ થવા માંડ્યો.

કોઈને માથે કાનઢાંકણી ટોપી, કોઈને માથે કડીઆ સુતાર કે હજામના જેવી પાઘડી, કોઈને માથે ચકરાં, કોઈને કપાળે પીળી આરચા, કોઈને ધોળી, ને કોઈને ચાંલ્લા કે આડા ટીલાં. કોઈએ અંગવસ્ત્ર ઓઢેલાં, ને કોઈના હાથ બરડો ને પેટ, તથા પગના નળાને પાટલીઓ ઉઘાડાં હતાં. કોઈ વરણાગીઆએ રેશમી કોરનાં પોતીઆં પહેરેલાં તે ભોંયે ઘસડાય ને સાવરણીની ગરજ સારે, માથે મોટી ઘેરીને ચોટલીનો કાંઈક ભાગ તેલથી તકતકતી પાઘડીની બહાર રહેલો છે, ને મોહોમાં પાન સોપારીના ડુચા ભરેલા તેની પીચકારીઓ મારે ને હાથમાં છીકણીની દાબડી તેમાંથી ચીપટા ભરી નાશકોરામાં દાબે. નજરમાં આવે તેમ ભુંડું બોલે, નાના નાના ટોળાં વળી વાતો કરે; કેટલાક કહે અમારા હાથ ચળવળે છે, એને વાપરવાનું મળેતો ઠીક. થોડા ડાહ્યાને ભારેખમ હતા તે છેલ્લા આવ્યા.