પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૧
 

તેની શિક્ષા તમને કરશે તમારી માને કે બેનને નહીં કરે. જે કરશે તે ભોગવશે. તમને બુદ્ધિ આપી છે તે શાને સારૂ આપી છે ? હું તો મિત્ર જાણીને કહું છું, માઠું ન લગાડશો હરિનંદભાઈ.

હરિનંદ કહે ખરૂં કહો છો. મારા હિતની વાત છે.

ગંગાશંકર તેનું મન જરા વળેલું જોઈ બોલ્યો કે ધણી ધણીઆણીના સંબંધ વિષે વિચાર કરશો તો બહુ ફાયદો થશે. મારા મનમાં જેટલું છે તેટલું સઘળું કહું તો આખી રાત જાય. માનાં કામ તે મા કરે, ને વહુનાં કામ તે વહુ કરે, બંનેને સમતોલ રાખવાં એમાં ખરૂં પુરૂષાર્થ છે. વહુ જેમ માણસ છે, તેમ મા પણ માણસ છે; વહુ જેમ ભુલે તેમ મા પણ ભુલે. મા વાહાલમાં વેર કરે છે તેના દાખલા કહો એટલો આપું. માનાં કરતાં બાયડીએ વધારે પ્રેમ અને નિષ્ઠા રાખેલાં એવું ઘણીવાર બન્યું છે; એનાં એક બે ઉદાહરણ કહું છું. હઠીસિંહ કરીને એક આદમી અમદાવાદથી કમાવાને અજમીર ગયો. ગયા કેડે ચાર વરસે તેનો કાગળ તેને ઘેર આવ્યો કે પ્રભુની મેહેરથી અહીં લીલા લહેર થઈ છે, માટે ઘરનાં ત્રણે માણસ અહીં આવજો. એ ત્રણ માણસમાં એની સ્ત્રી ઉજમ, છોકરો જેસંઘ ને છોકરાની બાએડી હીરા હતાં.

સામાન લાધવાનું એક ઘોડું લઈ તેઓ હરખભર્યા નિકળ્યાં. માર્ગમાં આબુની નજીકના એક ગામની ધર્મશાળામાં એક સાંજના મુકામ કર્યો. ત્યાં બીજા વટેમાર્ગુ ઉતર્યા હતા તેમાં એક કાસદ હતો. તે બીજા મુસાફર જોડે વાત કરતો હતો કે અલ્યા ભાઈ હું માઠા સમાચાર લઈને અમદાવાદ જાઉં છું. અમારા શહેરમાં હઠીસિંહ વેપારી હતો. થોડાં વરસ થયાં આવ્યો હતો પણ તેટલામાં ચાર પૈશા જોડ્યા. એની નાતનાં ઘર ચાલીશેક છે તેથી ત્યાંજ ઘર માંડી રહેવાનો મનસુબો કર્યો. મજાનું ઘર બાંધ્યું, લાબશીની નાત જમાડીને અમદાવાદથી બાયડી છોકરાંને બોલાવવાનો કાગળ લખ્યો. બાપડો આવ્યો હોત તો નક્કી લખેશરી થાત. બહુ ભલો હતો. સાખ બહુ સારી પડી હતી. અસત્ય વાણી એના મુખમાંથી નિકળી કોઈએ જાણી નથી. પણ રામ રામ ! કાળે એક ક્ષણમાં ઝડપી લીધો. સહેજ તાવ આવ્યો ને મુઝારો થઈ ગયો. ઘણાંએ ઓસડ કર્યા પણ કાંઈ વળ્યું નહીં બે દિવસમાં પ્રાણ ગયો. એના મુનીમનો આ પત્ર એના દીકરા જેસંઘને આલવા જાઉં છું. સાથીએ કહ્યું ભાઈ આ દેહનો ભરૂસો કરી શકાય નહીં જેસંઘે આમાંના કેટલાક બોલ સાંભળ્યા. પોતાનું ને પોતાના બાપનું નામ સાંભળી મનમાં સંધે આવ્યો કે એ મારો કાગળ હશે, તે પરથી મોઢું ઉતરી ગયું. કાસદ પાસે જઈને