પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૫
 

તેણીએ ઉતાવળ કરી હશે. ગ્રંથમાં કહ્યું છે કે कुपुत्रोजायते कचिदपिकुमाता न भवति. રાજા કહે વારૂ ભલે, સંભાળીને જજો ને હેમ ખેમના પત્ર લખજો.

અજમેર જઈને જુવે છે તો શું દીઠું? એની માએ ત્યાં જઈને કહ્યું કે છોકરાને રસ્તામાં વાઘે માર્યો, ને વહુવારૂને ઉટાંટીયું આવ્યું તેથી તે પણ મરી ગઈ.” બહુ રોઈને બહુ કુટ્યું, સઘળાને તેના પર અતિશે કરૂણા ઉપજી કે રે શો ગજબ બાઈ પર ગુજાર્યો છે, ધણી મરી ગયો, દીકરો માર્યો ગયો, ને તેની વહુએ ગત થઈ. એક મહિનામાં ઘરનાં ત્રણ માણસ ગયાં ! અરે પ્રભુ ! એ શો જુલમ ! એના ધણીનો દહાડો પાણી મુનીમે કર્યો હતો, ને છોકરાનો તથા વહુનો એણે કર્યો. પછી નવી બંધાવેલી હવેલી વીસ હજારે વેચી, ને રોકડ તથા દાગીના મળી સીતેર હજારનો માલ લઈ પેલા કાસદને જોડે લેઈ જોધપુર જવા નીકળી. ધણીનો વણજ વેપાર બંધ પડ્યો, વાણોતરોને રજા આપી ને ચાલતી થઈ. કહે અમદાવાદમાં મારે કાંઈ સગા નથી, ને મારો મામો જોધપુરમાં શરાફ છે તેથી તેને ઘેર જઈ રહીશ. એ વાત સર્વે ખરી માની. જેસંઘને અને તેની બાયડીને જોઈ લોક અચરજ પામ્યા, ને કેટલાક હપતા સુધી એને ઢોંગી ધુતારો ગણ્યો. પણ તેણે બરોબર નિશાનીઓ પુરી, ને માથી વીજોગ પડવાની વાતના શીરોઈથી કાગળ મંગાવ્યા ત્યારે એના બાપના મિત્રોએ એની વાત ખરી માની.

જેસંઘની મા કાસદ જોડે નીકળી ગઈ એ વાતનો કોઈને સંધે રહ્યો નહીં. આખા શહેરમાં એ વાત ફેલાઈ ગઈ. શેરીએ શેરીએ ને ઘેરે ઘેર એની એ વાત ચાલે, ને સર્વે તે દુષ્ટ માનો ધિક્કાર કરે. જેસંઘે રાજાની મદદ લેવાને એક માસ સુધી દરબારમાં ફેરા ખાધા પણ કાંઈ વળ્યું નહીં. ત્યાં રૂપીઆ વગર કાંઈ કામ થતું નહીં. દેવડીએ બેસનાર સિપાઈથી તે રાજા સુધી દરેકને આલવાનું જેની કને હોય તેની ફરીઆદ સંભળાય. પછી દીવાનને ઘેર અથડાયો, ને થાક્યો ત્યારે બાયડીને પોતાના પિતાના મુનીમના કુટુંબમાં મુકી જયપુર ગયો. એની માએ જોધપુર જાઉં છું એમ કહ્યું હતું, પણ તજવીજ કરતાં તે વાત એને ખોટી માલમ પડી. જેનું ગાડું તેણીએ ભાડે કર્યું હતું તેનાથી એને ખબર પડી કે તે અને કાસદ બંને જયપુરમાં જઈ રહ્યાં છે.

કાસદનું ઠામ ઠેકાણું જયપુરમાં શોધી કહાડ્યું. એની જનેતા બારીએ ઉભી હતી તેને એણે જોઈ. ને તેણીએ એને જોયો. તે પાધરી ઘરમાં ભરાઈ ગઈ, ને કાસદે બારણું વાસી દીધું. જેસંઘ ત્યાં ઉભો ન રહેતાં પાધરો પોતાને મુકામે ગયો. એ રાંડે કાસદને સમજાવ્યો કે તું જેસંઘેને મારી નાંખ નહીં તો એ આપણો