પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૫ મું

ચંદાની નાની બહેન તારાગવરીની અઘરણી આવી તેથી તેના મનની દાહાજમાં વધારો થયો. મોહોડેતો હરખ દેખાડે પણ અંદરથી તેનો જીવ વધારે બળવા લાગ્યો. માની જણી બેન માટે તારા ઉપર તેને અદેખાઈ આવી નહિ, પણ મોટી રહી જાય અને નાનીની અઘરણી આવે ત્યારે બીચારી મોટીનો મુરખ બઇરાં ઉપહાસ કરે છે તેથી ચંદાને સંતાપ થયો. એ પ્રસંગે પીએરીઆ ગીતો ગાય છે. તે તેણે સીખવા માંડ્યાં. સીમંતને થોડા દિવસ રહ્યા ત્યારે તારાને હાથે પગે મેંદી ચોપડી, વાડી ભરી, અને શણગારવા માંડી. ઘરેણાં પહેરી તારાગવરી સગાંવહાલાંને ત્યાં મોહો દેખાડવા જાય ને ચંદા તેની જોડે રીત પ્રમાણે ફરે, પણ મનમાં હીજરાય.

ધેણ*[૧] શણગરાઈને પાછલે પહોરે સાસરે જાય અને સાસરાની બાયડીઓ ધારા પ્રમાણે ગીતો ગાય ને ધણરાણી ગાદી તકીએ બેસીને સાંભળે. એ ગીતોમાં કેટલાંક નઠારાં છે. સુધરેલા લોકને ન સોભે એવા હલકા શબ્દોમાં વેહેવાઈ પક્ષની અરસ પરસ મશકરી કરવાનાં છે, અને કેટલાકમાં તો અનીતી છે. નાગર સ્ત્રીઓ હજી કેવી અધમ અવસ્થામાં છે તે તેમનાં ગીતો દર્ષાવે છે. એ ગીતો બીજી બધી વાતોમાં ગવાય છે. પાંચમે માસે રાખડી બાંધે છે. રાખડીના ગીતમાં ભુડું કાંઈ નથી. ગુજરાતી લોકની એક ખાસિયત એ પરથી જણાય છે. હિંદુસ્તાની કહેવત છે કે 'બડબડી બાતાં બગલમે ઈંટાં', તેવો ગુજરાતના લોકનો સ્વભાવ છે. એમનાં ગીતોમાં જુઠી બડાઈનો પાર નથી. રાખડીનાં ગીતો- “લંકાઘઢ વાહાણ પુરાવીએ તાંહાંથી સુનારે અણાવો; વેગલે રાખડી ઘડાવીએ, ધેણને જમણરે હાથરે. હડમજઘઢ વાહાણ પુરાવીએ, તાહીંથી હીરારે અણાવો; વેગલે. સિઘડઘઢ વહાણ પુરાવીએ તાહાંથી મોતીરે અણાવો.” ગીત બીજું. “નણદર, નણદર, નણદુલી, નણદી દેશ પરદેશ. અમદાવાદ વેહેલ મોકલાવીએ, તાંહાંથી ગંગાબેન તેડાવો, તેની પાસે રાખડી બંધાવીએ ધણને જમણેરે હાથે | પહેલડા પહોરનો રણકલો, પીયુડો વણચૌટે જાય; વણ ચૌટે સુખડી નીપજે પીયુ લાવે, ધણ ખાય. બીજા પોહોરનો રણકલો, પીયુડો વણચૌટે જાય; વણ ચૌટે કેળાં નીપજે ઈત્યાદી.” એ રાખડીનાં ગીત સુરતી છે,ને સુરતમાં બધી વાતોમાં ગવાય છે.


  1. *અમદાવાદમાં જે નારીનું અઘરણી હોય તેને ધન કહે છે બાળાબેનની ગીતની ચોપડી પરથી જણાય છે. ચરોતર – સુરત વગેરેમાં ધેણ કહે છે.