પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૭ મું.

ચંદાએ બેનની અઘરણીમાં માહાલી લેવાય તેટલું માહાલી લીધું, પણ તેથી તેની પોતાની અઘરણીની ભૂખ ભાંગી નહિ. વાંઝણીના મેહેણામાંથી છૂટવાને તે અનેક ઉપાય કરતી. બનેવી ભણેલો ગણેલો સારો માણસ છે તેનો અભિપ્રાય પુછવાથી ફાયદો થશે, તે કંઈ ઓસડ બતાવશે, કે સરકારી હકીમજીને ત્યાં તેડી જશે, એવું ધારી અઘરણી ગયા પછી કેટલેક દહાડે તે રવીનારાયણ કને આવી. તેનુ મુખ ઉદાશ જોઈ રવીનારાયણ દવે બોલ્યા, તમારી બેન વાઘ ન થઈ તે માટે રીસાયાં છો કે શું ? એ તો બીચારી બકરી છે તે વાઘ કેમ થઈ શકે. ચંદા શોકમાં એટલી નિમગ્ન થઈ હતી કે તેને હાસ્યરસ પર આ વેળા રૂચી નહતી. તેણે ગળગળિત કંઠે કહ્યું, મારા જીવતરને ધીક્કાર છે, હું કાંઈ માણસમાં છું ? તમારી આગળ તો મારે કહેવું ન જોઈએ. તમે મારા બનેવી, પણ શું કરૂં હવે મારાથી વાંજીઆની ગાળ સહેવાતી નથી. સવારમાં મારું કોઈ મોહોએ ન જુવે' એમ બોલતાં તેના નેત્રોમાંથી જળધારા વહેવા લાગી, તે જોઈ તેના બનેવીના મનમાં કરૂણાભાવ ઉત્પન્ન થયો. તેણે કહ્યું, ચંદાગવરી તમે ધીરો પડો, ગભરાઓ નહિ. આ સંસારમાં સંપૂર્ણ સુખી કોઈ નથી; કોઈને કાંઈ દુખતો કોઈને કાંઈ. માટે માથે પડે તે ખમવું, અને ઈશ્વર ઉપર આધાર રાખી દિવસ નિગમન કરવા. જેટલું સુખ પ્રભુએ આપ્યું હોય તેટલું ભોગવી સંતોષી રહેવું. જગતમાં તમારા કરતાં વધારે અભાગ્યાં ઘણાં છે. એક માણસ એટલો ગરીબ હતો કે તેને પગરખાં મળતાં નહિ. એ વિશે સંતાપ કરતો દેવાલયમાં ગયો અને કહેવા લાગ્યો કે હે દેવ તેં મને એવો દુરબળ, એવો કમનસીબ, કેમ રાખ્યો કે પગમાં પહેરવાને જોડા લગી મને નથી. પ્રાર્થના કરી દેહેરા બહાર નીકળ્યો તેવો તેણે એક આદમીને રસ્તામાં ગાંડ ઘસતો જતો દીઠો. તેનાથી ઉભાં થવાતું નહોતું તો ચલાય ક્યાંથી. એ જોઈ જોડા વગરના માણસે પ્રભુનો પાડ માની કહ્યું કે હું અમસ્થો કલેશ કરું છું. આ બિચારા માણસ કરતાં હું સોગણી સારી અવસ્થામાં છું, મને માત્ર ખાસડાં નથી, પણ એને તો ખાસડાં પહેરવાને પગજ નથી. તેમ તમને છોકરાં નથી થતાં પણ કેટલીએક બાપડીઓને વર નથી, ને કેટલીકને રાક્ષસ જેવા દુષ્ટ છે. વીજ્યાનંદ પંડ્યા સારા માણસ છે.

ચંદા – તેતો નથી બોલતા, પણ મારી સાસુ નણંદનાં મહેણાં મારાથી સેહેવાતાં નથી. મોટા હકીમજીનું મારે ઓસડ કરવું છે. તમારે તેને ઓળખાણ