પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
સાઠીનૂં વાઙ્ગમય.

 પાત્રભેદ, વસ્તુસંકલના અને રસ તેમ જ એ બધાંની નિષ્પત્તિ કરનાર ખૂદ ભાષા એને માટે ઘણું કહેવાનું છે, છતાં સ્થળસંકોચને લીધે વધારે કહી શકાતું નથી. જો અમુક પુસ્તકની વધારે આવૃત્તિઓ થવા માત્રમાં જ ગુણ રહ્યો હોય તો આ નાટકની ચારેક આવૃત્તિઓ થઇ છે. એ જ વસ્તુ લેઇને વાંકાનેરના રાજકવિ નથુરામે પણ નાટક મંડળીને સારૂ 'પ્રતાપ પ્રતિજ્ઞા’ નામનું નાટક લખ્યું છે. મર્હુમ સાક્ષર નવલરામે 'વીરમતિ નાટક' પ્રગટ કર્યું હતું. એનું વસ્તુ માળવાના પરમાર રાજપુત્ર જગદેવનાં પરાક્રમોમાંથી લીધેલું છે. એમાં કેટલાંક સારાં ભાષણો અને સારાં કાવ્યો છે, પરંતુ કેટલીક જગાએ દીર્ઘસૂત્રીપણું દેખાય છે. તેમ જ વસ્તુસંકલના અને રસના અવિચ્છિન્ન પ્રવાહની ખામી જણાઈ આવે છે.

નીતિનો બોધ કરનારાં નાટકો પણ આ સાઠીમાં થયાં છે, પણ ઉપદેશનાં ભાષણો રૂપે અને રસની તેમ જ વસ્તુસંકલનાની ખામીને લીધે ખુબી વિનાનાં થયાં છે, અમુક દુરાચાર ત્યાજ્ય છે એ બતાવવાને જે કૌશલ્યની જરૂર છે તેને અભાવે તેઓ પોતાના હેતુનાં ઉચ્છેદકરૂપ નીવડ્યાં છે. રા. પાનાચંદ અમરજીએ રચેલા 'વ્યભિચાર ખંડન' નાટકનો હેતુ સ્તુત્ય છતાં એ નાટક ખંડન નહિ પણ મંડનની ગરજ સારે એવું બન્યું છે. વ્યભિચારના જૂદી જૂદી વ્યક્તિ, જૂદી જૂદી જ્ઞાતિ અને જાતિ, જૂદા જુદા ધર્મ અને પંથે પરત્વે વિભાગ પાડીને તેમાં તેમાં પ્રવર્તતા જુદા જુદા પ્રકારના વ્યભિચાર દર્શાવતા નિર્લજ પ્રસંગો અનિષ્ટ ભાષા અને લંબાણથી, જૂદા જૂદા પ્રવેશોમાં વરણવી તેની પછી બીજા પ્રવેશમાં 'જ્ઞાન સૂર્યાંગજા'નું તેવી અનીતિની દુષ્ટતા દર્શાવતું ભાષણ આપ્યું છે. આવી રચનાથી અનીતિ ફેલાવનારૂં વાંચન જ માત્ર વધાર્યું છે. આ નાટક જોતાં જ અમને ‘ફાર્બસ વિલાસ’નું એક ગોરજીએ અમદાવાદમાં જોવા લાયક જગાઓ કેઈ કેઈ છે એ સવાલના જવાબમાં કહેલું રમુજી કવિત યાદ આવે છે. એમાં બધી જોવા લાયક જગાનાં નામ ગણાવ્યાં છે. છેવટે એક દોહરો ઉમેરીને સાત ગાઉ ઉપર આવેલી અડાળજની વાવ ધરાધરી ગણાવીને તે જોવા ન જવું એવો ઉપદેશ કર્યો છે. મલીનતા દર્શક ચિત્ર જાતે પ્રગટ રીતે મલિન ન જોઇએ.