પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭
સાહિત્ય.

માત્ર સૂચનાથી મલિનતા દર્શાવાય અને એનાં અનિષ્ટ પરિણામો કુશળ વસ્તુસંકલનાથી જણાવાય તો જ આવાં નાટકોથી નીતિબોધ થઇ શકે છે. આજ વર્ગમાં મુકવા જેવું બીજું નાટક ‘મદ્યપાન દુઃખદર્શક ચંદ્રમુખી નાટક’ છે.

સ્વ. ડા. હ. હ. ધ્રુવે નાટક સાહિત્યમાં પણ સુંદર ઉમેરો કર્યો છે. દર્પણકારનાં ગણાવેલાં અઠ્ઠાવીસે પ્રકારનાં દૃશ્ય લખવાં એવી એ સ્વર્ગવાસી ઉત્સાહી વિદ્વાનની પ્રતિજ્ઞા અમે જાણીએ છીએ. એને અનુસરીને જ એમણે 'અંક' અને 'વ્યાયોગ'ના નમુના તરીકે ‘વિક્રમોદય’ અને ‘આર્યોત્કર્ષ' લખ્યાં છે. આર્યોત્કર્ષમાં રાષ્ટ્રીય ભાવનાની જાગૃતિનું સારૂં ચિત્ર છે. 'અંક' અને 'વ્યાયોગ' જાતે જ ન્યૂન સંધીવાળાં રૂપક છે માટે એને બીજાં પ્રસિદ્ધ નાટકો સાથે સરખાવાય નહિ. સંસ્કૃતમાંના વ્યાયોગ–धनंजय विजयની સાથે મેઢવતાં આ વિદ્વાનનું સારાં કાવ્ય ભરેલું રૂપક બેશક ચઢે છે. રસ પણ તેમાં ઘટે એવો ભરેલો છે. ગુજરાતી ભાષાને એ વિદ્યાના જ વ્યસની વિદ્વાનના અકાળ અવસાનથી ખરંખરી ખોટ ગઇ છે.

રા. મગનભાઈ ચતુરભાઈ પટેલ તરફથી પોતાના પ્રથમ પ્રયત્ન તરીકે પ્રગટ થયેલા 'વૈદેહી વિજયમ્' નામના નવા નાટકમાં અંશાવતારી રામચંદ્રજીના જીવનના એક અંશનું નાટકરૂપે નિરૂપણ છે. આદિ કવિ શ્રી વાલ્મિકી, ભવભૂતિ અને તુલસીદાસે પોતાના ગ્રંથોમાં શ્રી રામચંદ્રજીનાં મનોહર ચિત્રો આપ્યાં છે. આ કવિયોએ આલેખેલાં ચિત્રોથી ત્રિભુવનૈક વીર શ્રી રામચંદ્રજીનું અંશાવતારીપણું ઓર ખીલીને આપણા હૃદયમાં આનંદ ઉપજે છે. પરંતુ રા. મગનભાઇનાં ચિત્ર અ પવિત્ર મૂર્ત્તિને આપણા હૃદયમાંના ઉચ્ચસ્થાન ઉપરથી નીચી પાડે છે. તેમને મનુષ્ય બનાવી દે છે અને તે પણ કેવી એ કોટીનું. શ્રીરામચંદ્રની મદનવિવશતા, ઉપભોગલોલુપ્ય, અને કામીજનની બીજી ચેષ્ટાઓ એમના સર્વમાન્ય ચારિત્ર્યથી તદ્દન વિરૂદ્ધ છે. તેમને યુવરાજપદે સ્થાપન કરવાનો સમારંભ થઈ ચૂક્યો હતો. બીજે દિવસે તેમ થાય તે પહેલાં કૈકેયીના આગ્રહથી તેમને રાજપાટ છોડીને વનવાસ જવું પડ્યું હતું. આ સમયનું ઉક્ત કવિયોનું કહેલું વર્ણન એ મહાવીરને કાંઈ ઓર જ ચિત્રે છે. તુલસીદાસજી કહે છે કે:—