પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫
સાહિત્ય.

નાટકોમાં કદી કદી સારાં કાવ્યો દૃષ્ટિગોચર થાય છે એમ અમે કહ્યું, પણ માત્ર સારાં કાવ્યોથી જ નાટકનું સમગ્ર રૂપ થતું નથી. તેમ થવાને તેનાં સઘળાં અંગો હોવાંજ જોઈએ. આંખ આંજી નાંખતાં ખોટાં જરીદાર કપડાં. ઝગઝગાટ રોશની અને ભપકાદાર પડદાઓથી મૂળ વસ્તુની ખામી પુરાતી નથી.

આવી દશામાં, ગુજરાતી નાટકસાહિત્યમાં માત્ર એક જ આશાજનક નવું નાટક ઉમેરાયું છે. પ્રથમ પ્રયાસ હોવાથી સર્વથા દોષરહિત તો નહિ પણ કુશળતા ભરેલી વસ્તુસંકલના, જનસ્વભાવનું રસિક ચિત્ર અને કવિત્વમય ભાવ મર્હુમ વિદ્વાન મણિલાલકૃત 'કાન્તા'માં જ દૃષ્ટિગોચર થાય છે. કવિના પોતાના હૃદયની વિશેષતા ગૌણતા પામીને માત્ર પાત્રના હૃદયનાં ભાવભર્યાં ચિત્રો આ નાટકમાં જ મળે છે. એ નાટક ઉપરથી લખનારનો બુદ્ધિપ્રભાવ નજર પડે છે. મનોહર કલ્પનાવિલાસ, સર્વ ઇંદ્રિયોના પુષ્કળ અભિલાષ, કુશળતા ભરેલો સર્વાનુભવ, સૃષ્ટિલીલાનું અનેકરૂપ દર્શન અને વર્ણનો નવાં લખાયલાં નાટકોમાં માત્ર ‘કાન્તા'માં જ મળે છે. સને ૧૮૮૪ માં આ નાટક લખ્યા પછી સ્વ. મણિલાલે નાટકલેખન મૂકી દીધું. આ અંગે બોલતાં તે એમની વૃત્તિ અભેદમાર્ગગામી થતાં ખરેખર સાહિત્યને ખોટ જ ગઇ છે.

નાટકનું કવિત્વ બહુ વિરલ હોઈ તેમાં કુશળતા સંપાદન થવી બહુ દુર્ઘટ છે. માટે જ પ્રેરક બળો છતાં રા. રણછોડભાઈનો ચલાવેલો પ્રવાહ અટક્યો છે. એ ઝરણાએ વધીને નદીનું રૂપ ધારણ કર્યું નથી, અને નાટકસાહિત્યની ઉન્નતિ થઈ નથી. નાટક મંડળીઓનાં નાટકોમાં કાવ્ય નહિ અને બીજા લેખકોના નાટકમાં નાટ્ય નહિ એવી દુઃખભર સ્થિતિ આવી પડી છે.

વિશેષ બુદ્ધિ, કવિત્વ અને શક્તિવાળા લખનારા પેદા થઈ ગુજરાતી નાટકસાહિત્યમાં અવનવો વધારો થાય એ આશા સફળ થાઓ એવું ઈચ્છીએ છઈએ.