પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
સાઠીનૂં વાઙ્ગમય.

સ્વ. ભોળાનાથની કવિતાની આ એક વિશેષતા છે કે તેમાં વાચક વર્ગને, શ્રોતાજનોને કે લોક સમુદાયને સંબોધન કવચિત જ જોવામાં આવે છે. જુના ગુજરાતી કવિયોની પેઠે પોતાના મનને સંબોધન પણ ભાગ્યે જ કર્યું છે. કવિતા અને બોધની સાથે જ્ઞાનના અંશ સ્થળે સ્થળે આ ભક્ત કવિની કવિતામાં દૃષ્ટિગોચર થાય છે. સદાચરણ બળની વિશેષતા અને આવશ્યક્તાને ગુજરાતી સાહિત્યમાં પ્રથમ સંસ્કાર એમની કૃતિમાં માલમ પડે છે. એમની ‘ઇશ્વર પ્રાર્થનામાળા’ની ભાષા પ્રૌઢ, તથા શુદ્ધ અને વિચાર નિર્મળ છે. ગૈારવવાળા વિષય છતાં ભાષા ક્લિષ્ટ ન હોય, અને અર્થ સંદિગ્ધ ન હોય એવી કાવ્ય શૈલી બહુધા એમનાથી પ્રચલિત થઈ છે. એમની કવિતા ગુજરાતી ભાષામાં સંસ્કૃત શબ્દ કેટલે અંશે ઉમેરાઈ શકાય એનો પણ અજબ નમુનો છે.

શ્રીમન્મહારાવની સાથે મહાબળેશ્વરની કરેલી મુસાફરીનું ‘પ્રવાસ વર્ણન’ નામે કાવ્ય કવિ શિવલાલે બહાર પાડ્યું હતું. ગ્રંથમાં જે વર્ણનો છે તેમાંનાં ઘણાં સારાં છે, તેમાંએ વિશેષ કરી વઢવાણ આવતાં રાણકદેવી સંબંધે ભોગાવાનું વર્ણન મનોરંજક છે. મુંબાઈ આગળ આગગાડીનું અને પુના આગળ રાત્રિનું વર્ણન છે તે ખરા કવિત્વનું સૂચક છે. તેમજ મહાબળેશ્વરના વર્ણનમાં ઠેકાણે ઠેકાણે સારી ઉક્તિ છે. અફઝલખાનની કબર જોઈને કાઢેલા ઉદ્‌ગાર ખરેખાત ચિત્તવેધક છે. શિવલાલની ભાષા શુદ્ધ, વિમળ અને સરળ છે એ તો અમે કહી ગયા છીએ.

નર્મદાશંકર કવિને યોગ થયો હતો તે સાઠોદરા નાગર કવિ નભુલાલનાં કાવ્યનો સંગ્રહ ‘નભુવાણી’ નામથી પ્રગટ થયો છે. એમની કેટલીક કવિતા સુંદર છે. એમની હજામના ઘરમાં થયેલી ચોરી વિશેની કવિતા વાંચવા જેવી છે.

પારસી કવિ મલબારીનો ‘નીતિ વિનોદ’ પણ આ કોટીમાં જ આવે છે. આ ગ્રંથની ભાષા એક સંસ્કારી ગુજરાતીએ લખી હોય એવી શુદ્ધ છે અને આખુ કાવ્ય બોધદાયક છે. આ પુસ્તક પછી મી. મલબારીએ ‘અનુભવિકા’ નામનો ગ્રંથ બ્હાર પાડ્યો છે. પ્રસિદ્ધ થવા કાળે ઘણા વખણાયલા નીતિવિનોદ કરતાં અનુભવિકામાં કાવ્યત્વ વધારે દીપી રહે છે.