પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૭
સાહિત્ય (ચાલુ).

કરવા તેમનું હૃદય ઉલટભર્યો પ્રયાસ કરે છે. એ ઉમંગ, ઉત્સાહ અને હર્ષમાં જ્યાં જ્યાં વિઘ્ન આવે છે ત્યાં ત્યાં તેમની ચિત્તવૃત્તિ અધીરાઇથી અને વ્યાકુળતાથી સર્વત્ર ગ્લાનીનું દર્શન કરે છે અને ‘પળે પળે’ ‘ઉન્હા ઉન્હા’ 'શ્વાસ નિઃશ્વાસ' મુકતી પ્રાર્થના કરે છે કે 'હરિ હરિ સત્વરિ દે ઓવારી સુધાવારી દયા ધારિ.' તેમના ભાવ પ્રવાહમાં હર્ષ જેમ ઉછાળા મારે છે, દેશભક્તિ જેમ આવેશથી ઘુમે છે, તેમ શોક પણ જ્વાલાગ્રસ્ત થઇ હૃદયને ભસ્મીભૂત કરે છે.

'કુંજવિહાર’ના દેરાસરીકૃત વિભાગની કવિતા સ્વ. હ. હ. ધ્રુવની કવિતાથી જૂદી જ શૈલીની છે. સરળતા અને હૃદયની લાગણીનું જ ગાન એ એનાં ખાસ લક્ષણ છે. આ નવીનતા પ્રથમ ‘બુલબુલ’ માં દેખાઇ હતી. આ નાના કાવ્યને માટે રા. નરસિંહરાવની કવિતાને અંગે બોલતાં, સાક્ષર શ્રી રમણભાઈ કહે છે કે “બીજા બધા રસ મૂકી દઇ શૃંગારનું જ પાન કરનારા 'બુલબુલ' ની વાણી પણ ગુજરાતી સાહિત્યમાં નવીન કવિતાનો અનુભવ કરાવે છે. એક જ વૃત્તિ અને એક જ વિષયમાં તલ્લીન થયેલા હૃદયના–ભાવને ઘટતી જ ભાષામાં–ઉચ્ચારણનું ગાન પહેલ વહેલું 'બુલબુલે' જ કર્યું છે, બીજાએ એ વિષયપર કેવા વિચાર કર્યા છે અથવા બીજા હવે પછી એ વિશે કેવા કેવા વિચાર કરશે એ ચિન્તા કોરે મૂકી પોતાનો જ અનુભવ ગાવો એ કવિનું કામ જાણી ‘બુલબુલે’ એ જ માર્ગ ગ્રહણ કર્યો છે; અને આવી કવિતામાં એ જ ઘટિત છે. કવિએ દર્શાવેલા વિચાર બાહ્ય સ્વરૂપે ખરા હોય કે ખોટા હોય પણ વાંચનારને લાગે કે કવિના હૃદયમાં આ ભાવ ઉત્પન્ન થયો છે, કવિને આ લાગ્યું છે અને સત્યની સ્થાયી ભાવનાથી અન્તે વિરોધ નહોય, તો બસ છે. પોતાના વિભાવના આલંબનને 'બુલબુલ' કહે છે કે:—

'સુખ સૃષ્ટિમાં તુજ વિષે તું સદ્‌ગુણ ભંડાર;
'નિર્મળ નેહનું રૂપ તું, માટે પ્રભુ અવતાર.
'રહે કદી દૂર પણ પાસે—જણાયે તું બધે વાસે;
'પુરી રહી નાર એ ભાસે—બધે તું તું છબીલી હા !”
(બુલબુલ)