પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૫
ગદ્ય ગ્રન્થો.

 તેમાંએ ‘શી આ તગતગતી તસ્વીર’ એ લીંટીથી શરૂ થતી લાવણી અને ‘કુમુદચંદ્ર પ્રેમપત્રિકા’ વાંચી જોવી.

સ્વ. દલપતરામના સઘળા ગદ્ય ગ્રંથો જોતાં એમની પણ શૈલી જૂદી પડે છે. સાદી સરળ ભાષા, મર્માળાં અને ઠાવકાં હાસ્ય અને બોધ—ઘણી મીઠી વસ્તુમાં મેળવીને આપેલી દવા જેવો–પ્રતિપક્ષીના ઉપર એક પણ કટાક્ષ કથન વગરની અને ધાર્યો મુદ્દો સચોટ સર કરે એવી એમની શૈલી છે.

જેમ વ્યક્તિ વ્યક્તિમાં હોય છે તેમ વ્યકિત વ્યક્તિની શૈલીમાંએ તફાવત હોવો જોઈએ. કોઈ બે માણસનું જ્ઞાન, ભાષાજ્ઞાન, વિચારશક્તિ, અને છેવટે પોતાના વિચાર ભાષાદ્વારા બીજાને સમજાવવાની શકિત એકજ સરખી હોય નહિ; અને તેથી જ કોઈ બે માણસની શૈલી–સઘળી બાબતમાં– સમાન હોતી નથી. વ્યક્તિપરત્વે હોતા આવા વિશિષ્ટ તફાવતને ન ગણીએ તો વનરાજ ચાવડો, અને સંધરાજેશંગની શૈલી ઘણે અંશે દલપતશાઈ છે.

નવલશૈલી વળી ઓરજ તરેહની છે. ધીમાશથી કહેતાં છતાં પણ તે ઉત્સાહી અને ઉન્માદક છે. રસિકપણું વાક્યે વાક્યે દૃષ્ટિગોચર થાય છે. કેટલીક વખત મસ્ત જણાય છે પણ સર્વત્ર ઠરેલ—વિચારશીળ-અને તૂલના શક્તિવાળી છે. એમનાં લખાણમાં બહુધા અર્થવચ્છદ ન હોય એવો–નકામો મુકેલો હોય એવો–શબ્દ મળશે નહિ. એમની લખવાની રીત અમે જાણીએ છઈએ. એમનાં લખાણોની મૂળ પ્રત જોઈ હોય તો જણાય કે એક વાક્ય લખીને તેમાં એટલા બધા ફેરફાર કરેલા જણાય કે અપરિચિત વાંચનારને તો ઉકલેએ નહિ. એક શબ્દ લખીને તેને ચાર પાંચ વાર ફેરવ્યો હોય. આમ તોળી તોળીને લખવાની એ વિદ્વાનને ટેવ હતી. વિષય પર અને વાચકપરત્વે આમ તૂલના થઈ થઈને મનન કરાઈ ને લખાયલું એમનું લખાણ છે.

સ્વ. ગોવર્ધનરામની પણ અજબ વિશિષ્ટ શૈલી છે.

સ્વ. મનઃસુખરામની પ્રત્યયાન્તરની મોહક શૈલીને માટે અગાઉ બોલી ગયા છઈએ. વધતાં વધતાં આ શૈલી કેવી આડંબરી થઈ ગઈ છે. તેનું ઉદાહરણ એજ વિદ્વાનના પુત્ર રા. તનસુખરામે લખેલા ‘સમાલોચક’ માંના એક લેખમાંથી અમે આપીએ છઈએ.