પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩
ગદ્ય ગ્રન્થો.

 પણ કેટલીક વિટંબણામાં આવી પડ્યા હતા. કેળવણી ખાતાનાજ કેટલાક દ્વેશી દેશી અમલદારોએ આ બાબતમાં બળતામાં ઘી હોમ્યું હતું. પણ આખરે સત્ય તર્યું અને ‘હિંદ ને બ્રિટાનિયા’ રાજદ્રોહી પુસ્તક નથી એમ ઠર્યું હતું.

રા. છગનલાલ હરિલાલ પંડ્યા‘કાદમ્બરી’ નો અનુવાદ કરીને ગુજરાતી ભાષાના ટુંકા ગ્રંથભંડોળમાં અગત્યનો વધારો કર્યો છે. એ મૂળ ગ્રંથનો સંસ્કૃતમાં કર્ત્તા બાણપંડિત છે; એણે પોતાના કાવ્યમાં શોધી શોધીને એટલા બધા અલંકાર ભર્યા છે કે હવે પછીના કવિને નવું એક પણ ઉપમાન ઉપમેય મળવું મુશ્કેલ થઈ પડ્યું છે. એ ઉપરથી વિદ્વાન વર્ગમાં એક કહેવત ચાલે છે કે वाणोच्छिष्टंजगतसर्वम् એટલે દુનિયામાં બીજા કવિયોમાં જે જે અલંકાર હોય તે બાણના ઉચ્છિષ્ટ એટલે તેના ગ્રંથમાં વપરાયલા જ હોય.

આ ગ્રંથ રસચાતુર્ય શૈલીનો એક સર્વોત્તમ જ નહિ, પણ અનુપમ નમુનો છે. એની જગતમાં જોડી જ નથી. જેમ દુનિયામાં તાજમહેલ, ઈજીપ્તના પિરામીડ, અને ચીનનો કોટ તેમ આ ‘કાદમ્બરી’ ગ્રંથ તે સાક્ષર વિષયમાં એક્કો જ, અનુપમ ને જેનો વિચાર વાંચ્યા વિના બંધાઈ જ શકે નહિ એવો એક ગ્રંથ છે.

આ ભાષાન્તર અસાધારણ કાળજી, સમજ, તથા ચતુરાઈથી કરેલું જણાય છે. કાદમ્બરીની ગુંથણી સંક્ષિપ્ત અને ડગલે ડગલે શબ્દાલંકારથી ભરપૂર હોવાને લીધે એનું ભાષાન્તર કરવું બહુ જ મુશ્કેલી અને સંસ્કૃત સાથે નિકટ સંબંધ ધરાવનારી આપણી પ્રાકૃત ભાષાઓ સિવાય બીજીઓમાં તો તે થવું જ અશક્ય. તે છતાં આ ભાષાન્તર તો ગુજરાતી વિદ્વાનને હર્ષથી વાંચવા યોગ્ય થયું છે, તે આ ભાષાન્તરકારની અત્યંત કાળજી તથા ચતુરાઈનું જ ફળ છે. ભાષા સર્વત્ર પ્રૌઢ, શુદ્ધ અને રૂઢ પણ છે. ભાઈ છગનલાલે પોતાના અથાગ શ્રમના ફળ તરીકે ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ ગ્રંથનો ઉમેરો કર્યો છે. પાટણના કવિ શ્રી ભાલણનો રચેલો આ ગ્રંથનો અનુવાદ પદ્યાત્મક છે અને ઘણો ઉત્તમ છે. એની સંશોધિત