પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૯
ગદ્ય ગન્થો.

 એ પુસ્તકના બે ભાગ પડી જતા લાગે છે. પ્રથમ ભાગમાં અમુક બાબત સુધી અમને એ સારા હ્યુમરનો–પરિહાસનો નમુનો જણાય છે. પાછળનામાં જાણે હેતુ તેમ જ તે બર લાવવાની રીત બધી ખપી ગઈ હોય એમ એના રસની ક્ષતિ થાય છે. કોઈ પણ અમુક વ્યક્તિનું ઉપહાસ કરવાને એ પુસ્તક લખાયું છે એમ અમે માની શકતા નથી. આવા ગ્રંથોમાં સહજ અને છે તેમ અમુક ભાગ વખતે અમુક વ્યક્તિને લાગુ પડી જાય છે અને એ વ્યક્તિ પોતાની ક્ષતિ પોતાને માલમ હોવાથી આ મારે માટે લખ્યું–કહ્યું વગેરે માની લે એ સ્વાભાવિક છે. પરિહાસના ગ્રંથમાં અતિશયોક્તિ જરૂરની છે, અને આ પુસ્તકમાં જરૂર કરતાં પણ વધારે અતિશયોક્તિ છે. આવી અતિશયોક્તિને લીધે એ પુસ્તક કોઈ પણ એક વ્યક્તિને લાગુ પડતું જણાતું નથી. સ્વ. મણિલાલે પણ એક વખત લખ્યું હતું કે ‘એ પુસ્તક કોઈને પણ લાગુ ન પડે અને તેથી કશી અસર ન કરે, એવું લગભગ થઈ રહ્યું છે.’ છતાં આ પુસ્તક પ્રગટ થયું ત્યારે વિવેક વીસરાવનારો ખળભળાટ થઈ રહ્યો હતો.

ખરાં મર્મવાળાં હાસ્યરસનો આ સાઠીમાં થયેલા સાહિત્યમાં અભાવ છે. પ્રેમાનંદના મામેરામાં છે તેવો મર્માળો હાસ્યરસ બીજે ક્યાંઈ એ જડતો નથી. કવીશ્વર દલપતરામના ‘વેનચરિત્ર’ માં કેટલીક જગાએ આવા રસની ઝાંખી થાય છે. જો કે એ પ્રેમાનંદ જેવો શુદ્ધ અને સચોટ નથી પણ આનંદજનક છે. દીલગીરી છે કે કોઈ પણ લખનારે એનું અનુસરણ કર્યું નથી. જનસ્વભાવનું બહોળુ જ્ઞાન, લોકનાં અંતરની અને તેના અન્ય વ્યાપારોની ખરી પરીક્ષા અને તેની સાથે પોતાને લાગે તેવું બરાબર ચિત્ર આલેખવાની શક્તિ એ બધું હોય તો જ આવો હાસ્યરસ ઉત્પન્ન કરી શકાય. ‘જ્ઞાન સાથે અજ્ઞાન, મહાન સાથે ક્ષુદ્ર, હર્ષ સાથે શોક, ગાંભીર્ય, સાથે લઘુતા, વગેરેનાં મિશ્રણોની વિષમતાથી હૃદયને મુદિત કરવાનાં સ્થાનો–પ્રસંગો જાણવાની શક્તિ એમાં રહેલી છે. એવા ઉંચા હાસ્યરસને અભાવે જ અશ્લીલ કલ્પનાઓ, અનીતિમય વાર્તાઓ, રૂપકો અને મશ્કરીઓ પ્રવર્ત્તે છે.’ અશ્લીલતાનું ઉદાહરણ કવિ રણછોડલાલ ગલુરામની ‘કાવ્ય સુધા’ ના એક કાવ્યમાં સ્થાયી થઈને રહ્યું છે. આ હાસ્યરસ તરફ ગુજરાતી સાહિત્યમાં વલણ નથી તે ઉત્પન્ન થવાની ઘણી જરૂર છે.