પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૧
ઇતિહાસ અને ભૂગોળ.


એ નામને યોગ્ય, જીવનચરિત્ર લખાય છે. ટૂંકામાં જીવનચરિત્ર લખનારમાં શોધ, સત્ય, વિવેક અને વર્ણનશક્તિ એ ચાર ગુણ અવશ્ય જોઈએ છઈએ. તેમાં જે વ્યક્તિનું જીવનચરિત્ર લખતા હોઈએ એ તેના જીવનથી મોહિત થયા હોઈએ અને તેના જીવનનો પૂર્ણ અભ્યાસ હોય તો જીવનચરિત્ર ઉત્તમ લખાય છે. અમુક જીવનપર મોહ પામી માણસના મનમાં એ વ્યક્તિને માટે સ્નેહ, મમતા અગર પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય છે. આવી અસર થયેલા માણસ જો પોતાની ઇષ્ટ વ્યક્તિનું ચરિત્ર લખે તો તે સર્વશઃ ઉત્તમ થાય છે. આપણી ભાષામાં પરભાષામાંથી જીવનચરિત્રોનાં ભાષાન્તર ઘણાં થયાં છે. પારસી ગૃહસ્થોએ અસલના જમાનાના વખણાયલા ઈરાની નરોનાં જન્મચરિત્રો લખ્યાં છે તેમ જ ભાષાન્તરો કર્યાં છે. ઇંગ્રેજી જન્મચરિત્રો ઉપરથી પણ ઘણાં ભાષાંતર થયાં છે. આમાં મોટી સંખ્યા ઈનામો આપીને લખાયલાંની જ છે. ઇનામની જ ઇચ્છાથી લખેલા ગ્રંથોમાં બહુધા ગ્રંથકારત્વ હોતું નથી. ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી ઈનામ આપી ઘણા જન્મચરિત્રના ગ્રંથો લખાવે છે. સોસાઈટીનો પ્રયાસ બેશક સ્તુતિપાત્ર છે. પરંતુ જ્યાં સુધી ગ્રંથકાર પોતાની અંતર્વૃત્તિથી ગ્રંથ લખતો નથી ત્યાં સુધી તે શુષ્ક જ રહે છે. તેમ જ જ્યાં સુધી ભાષામાં માત્ર પૂજ્યભાવથી અથવા બીજી લાગણીથી પ્રેરાઈને જન્મચરિત્ર લખાયાં નથી ત્યાં સુધી આ જાતના સાહિત્યનો શોખ ઉત્પન્ન થયો છે એમ કહેવાય નહિ.

પારસી ગ્રંથકારોએ ફીરદોસી, અરદેસર કોટવાળ, સર જમશેદજી, દા. બહાદૂરજી વગેરેનાં જન્મચરિત્રો લખ્યાં છે. અંગ્રેજીમાંથી લખાયલાંમાં રૂલર્સ ઓફ ઈન્ડિયા સિરિઝ’ નાં 'ટિપુ સુલતાન,' 'બેન્ટિક,' 'લોરેન્સ,' 'અકબર,' 'રણજીતસિંહ,' 'ઔરંગજેબ,' 'માધવરાવ સિંધીયા,' 'કેનીંગ', 'મેયો,' અને 'હેસ્ટીંગ્સ' વગેરેનાં ભાષાન્તર થયાં છે.

'રૂલર્સ ઓફ ઇંડિયા સીરીઝ' નાં ભાષાન્તર 'ગુજરાતી પ્રેસ' અને ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી એમ બે જૂદી જૂદી સંસ્થાઓએ લખાવ્યાં છે. શીખ લોકોના ઇતિહાસનું મનન કરીને, ગુરૂમુખી ભાષા શિખીને, શીખ