પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬
સાઠીનૂં વાઙ્ગમય.

અને ત્યારબાદ એની ઘણી આવૃત્તિઓ થઈ છે. છેવટે સર. ડબલ્યુ. ડબલ્યુ. હંટરે પોતાનો ઈતિહાસ બહાર પાડ્યો. આ ગ્રંથનું ગુજરાતી ભાષાન્તર જી. વ્હિટવર્થ આઈ. સી. એસ. એમણે કર્યું છે અને સરકારી નિશાળોમાં શિખવાય છે. પ્રથા જ એવી પડી હતી કે દરેક ઈતિહાસ લખનારા પોતાના પુસ્તકનો આરંભ સિંધ ઉપર મહમદ કાસિમે કરેલી સ્વારીથી કરે. આ બાબત સર ડબલ્યુ. ડબલ્યુ હન્ટર પોતાના ગ્રંથની પ્રસ્તાવનામાં ટીકા કરે છે. મહમદ કાસિમની સ્વારીથી મુસલમાનોની સ્વારીઓનો આરંભ થયો; એક પછી એક મુસલમાન વિજેતા દેશપર ચઢી આવ્યા; કેટલાક વંટોળીઆની માફક આવી લૂંટફાટ કરીને આવ્યા એમજ પાછા ગયા; કેટલાકે અહીં રાજ્યની સ્થાપના કરી; એક પછી એક નવા મુસલમાની વંશોએ અહીં રાજ્ય કર્યું; છેવટે ઈશ્વરકૃપાથી બ્રિટિશ સલ્તનતની સ્થાપના થઈ ને દેશ થાળે પડ્યો. આ પ્રમાણે શરૂવાતથી જ પોતાના દેશની પરતંત્રતા અને વિદેશીઓનાં ત્રાસદાયક કૃત્યો શિખતો આવેલો મનુષ્ય સ્વતંત્ર વિચારનો કયાંથી હોય ? પોતાની જન્મભૂમિનું ગૌરવ જ જોયું-જાણ્યું જ ન હોય તો તેના ઉપર પ્રીતિ શી રીતે ઉત્પન્ન થાય ? માત્ર ભૂતકાળના મુસલમાની રાજવંશો-જેમાં 'કેટલાક મોટા જુલમગાર રાજાઓ થઈ ગયા છે, તેની કારકીર્દી જાણવી અને સાલવારી ગોખવી એને ઈતિહાસનું શિક્ષણ જ ન કહેવાય. હિંદની પ્રજા શી રીતે થએલી છે, તેની પ્રાચીન મહત્તા કેવી હતી, તેમાં પ્રાચીન કાળમાં વિદ્યા, કળા કૌશલ્ય કેવું હતું વગેરે બાબતો છોકરાંઓએ જાણવી જોઈએ. આથી પોતે જે પ્રજાને એક અંશ છે, તેનું ગૌરવ તે જાણે, પ્રાચીન ગોરવ જાણીને પોતે મહત્વાકાંક્ષી થાય. પોતાના ઈતિહાસમાં એઓ સાહેબ છેક મૂળ આર્યસ્થાનમાંથી નીકળ્યા ત્યારથી મળી આવતી હકીકત આપે છે. આર્ય લોકોની નિતિ, વિદ્યા, કળા કૌશલ્ય, ધર્મ સાહિત્ય, અને જ્ઞાન સઘળાનું ટુંકામાં સારું દિગ્દર્શન કરાવે છે. પોતાના ગ્રંથનું નામ જ એમણે 'હિંદના લોકોનો ઇતિહાસ ' - એવું રાખ્યું છે. બીજા પણ ઈતિહાસના ગ્રંથો બહાર પડયા છે જેમાં રા. વિઠ્ઠલદાસ ધનજીનો ઈતિહાસ ઘણાં પુસ્તકોનું દોહનરૂપ છે. બાકી દુર્ભાગ્યે આ