પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
સાઠીનૂં વાઙ્ગમય

 પ્રાર્થના–સ્તુતી વગેરે:— ‘કાવ્ય રચના,’ ‘મંડળીના ભજનની રીત,’ ‘કાવ્યાર્પણ’ અને ‘પદમાળા’ એ પ્રાર્થના સારૂ લખાયલાં પુસ્તકો છે.

વાર્ત્તાઓ:— નીતિ અને ખ્રિસ્તી ધર્મબોધ થાય એવી નાની વાર્ત્તાઓ ઘણી પ્રગટ થઈ છે. ‘એક પાઇની શી ચિંતા છે,’ ‘એક ડોશીને બ્રાહ્મણ’ની વાત, 'પાનસોપારી' વગેરે નાની અને થોડી કિંમતની ઘણી ચોપડીઓ આ કોટીમાં આવી જાય છે. બધામાં નીતી સાથે ખ્રિસ્તી ધર્મ જ્ઞાન આપવાનો પ્રયત્ન જણાય છે.

આ બધાં પુસ્તકો ખ્રિસ્તી ધર્મગુરૂઓએ અને કેટલાંક ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરેલા એતદ્દેશીય જનોએ લખેલાં છે. ખ્રિસ્તી ધર્મના આગ્રહની વાત કોરાણે રહેવા દઈએ તોપણ આ પુસ્તકમાંથી સદ્‌બોધ અને નીતિજ્ઞાન મળે એમ છે.

(૪) મુસલમાની ધર્મ:—

'સહીફાત અલ કામિલત' નામે અરબ્બી પ્રાર્થનાઓનું ગુજરાતી ભાષાન્તર મુલ્લાં અબ્દઅલ કાદીરે કર્યું છે. મી. અલારખીઆ નામના ખોજા ગૃહસ્થે સર એડવિન આર્નોલ્ડના પર્લ્સ ઓફ ફેઈથ નામના ગ્રંથનો 'ઇમામનાં મોતી' નામે સુંદર અનુવાદ કર્યો છે.

(૫) પારસી ધર્મ:—

'અર્વા વિરાફનામું ', 'આશીર્વાદ', 'બુંદેહેશ,' 'દશાતીર', 'જામાસ્પી', જેહશેડન', 'ખુર્દેહ અવસ્તા', 'વંદીદાદ', 'ઝોરોસ્તી મહજબ' વગેરે ઘણાં પુસ્તકો આ ધર્મના જૂદા જૂદા વિષયનાં બહાર પડ્યાં છે.

કેટલાંક વર્ષ ઉપર ગાથાઓના રોજની ગણત્રી સંબંધે તકરાર જન્મ પામી હતી, અને તેને લીધે કેટલું સાહિત્ય ઉદ્‌ભવ પામ્યું હતું. ઝરથોસ્તી ધર્મની વાયજો અને ધર્મ વિષયનાં ભાષણો પણ પ્રસિદ્ધ થયાં છે.