પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૭
રમતો–હૂન્નર–કળાઓ.

 ડા. રવિશંકર અંજારિયાએ અને બીજાઓએ પણ એ વિષયપર પુસ્તકો લખ્યાં છે. સગર્ભા સંરક્ષણ વગેરે ઉપયોગી પુસ્તકો પણ ઉમેરાયાં છે.

અકસ્માત્ અને તે વખતે શું કરવું વગેરે સૂચનાવાળાં ઘણાં ઉપયોગી પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાં વડોદરાના પારસી ડા. ધનજીભાઇનાં પુસ્તકો ઘણાં વખણાયાં છે.

ઢોરના રોગ સંબંધી નાનાં પુસ્તકો સરકાર તરફથી વ્હેંચાયાં છે. આમ છતાં પણ વૈદ્યકની કેળવણી ઇંગ્રેજીમાં અપાતી હોવાથી અને ઇંગ્રેજીનો પ્રચાર વધારે થવાથી આવાં પુસ્તકો ઝાઝાં લખાવા વંચાવાનો સંભવ બહુ જણાતો નથી.

૧૩ રમતો.

આ વિષયની નાની ચોપડીઓ પ્રસિદ્ધ થઈ છે. ‘શેત્રંજની રમત’ અને ‘દેશી રમતો’ નામનાં પુસ્તકો હયાતીમાં આવ્યાં છે. શ્રીમંત ગાયકવાડ સરકાર તરફથી રમતોનાં કેટલાક સુંદર પુસ્તકો પ્રગટ થયાં છે.

૧૪ હૂન્નર અને કળાઓ.

સાઠીના શરૂવાતના કાળમાં રા. ઉત્તમરામ પુરૂષોત્તમે ‘પાકશાસ્ત્ર’ નામનું નાનું પુસ્તક લખ્યું હતું. આ વિષયમાં પ્રથમ થયેલું પુસ્તક એ જ છે. એની ત્રીજી આવૃત્તિ સન ૧૮૬૯ માં થઈ હતી. આ પુસ્તક માત્ર હિંદુઓને જ ખપ લાગે એવું છે. સન ૧૮૭૮ માં બીજું એક ‘પાકશાસ્ત્ર’ બહાર પડ્યું હોય એમ જણાય છે. તે જ વર્ષમાં ‘પકવાન પોથી’ નામનું પુસ્તક એક પારસી ગૃહસ્થે બહાર પાડ્યું હતું. નામદાર ગાયકવાડ સરકારે પોતાની “જ્ઞાનમંજૂષા’ માં પાકશાસ્ત્રનો સારો ગ્રંથ લખાવ્યો છે. આ ગ્રંથનાં ત્રણ મોટાં પુસ્તક બન્યાં છે, તેમાં દક્ષણિયો તે ગુજરાતીઓ વગેરે નિરામિષ આહાર કરનારાને ખપ લાગે એવા પ્રકારનાં ભોજન બનાવવાની અને તેમાંએ મદ્રાસ તરફની રીતીઓ મોટે ભાગે વર્ણવેલી છે. મૂળ પુસ્તક મરાઠીમાં રચાવ્યું છે અને રા. છગનલાલ મોદીએ તેનું ગુજરાતી ભાષાન્તર કર્યું છે. આ વિષયમાં એ ગ્રંથની સ્પર્ધા કરે એવા બીજો ગ્રંથ નથી.