પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

પંડિત અને વિદ્વાનના વર્ગમાં અમે જેઓ સંસ્કૃત, ફારસી કે અરબ્બીનો સારો અભ્યાસ કરતા તેને ગણીશું. એઓ શાસ્ત્રીઓની પાસે વ્યાકરણ, કૌમુદી અગર સારસ્વત, વગેરે ભણીને પંચકાવ્યનો અભ્યાસ કરતાં. બ્રાહ્મણો પોતાની ઉપજીવિકા સારૂ ભાગવત, પુરાણ વગેરે શીખતા. તેઓ પરદેશ અભ્યાસ કરવા જતા. વધારે ઉમેદવાળા કાશી જતા. બીજાઓ નજીકનાં શહેરોમાં પ્રખ્યાત પંડિત પાસે જતા. માધુકરી માગી લાવીને ખાતા અને ગુરૂની સેવા કરીને વિદ્યા સંપાદન કરતા. તે કાળમાં મુસાફરીની અગવડ, વિટંબણા અને ગુરૂને ત્યાંની રહેણી કરણી વગેરેનું તાદૃશ્ય ચિત્ર મહાકવિ પ્રેમાનંદના પુત્ર વલ્લભે પોતાના 'મિત્રધર્માખ્યાન' યાને ‘ઇંદુમિંદુ આખ્યાન' માં આપ્યું છે તે વાંચવાથી જીજ્ઞાસુઓને આનંદ થશે. મુસદ્દી વર્ગના દિકરાઓ સાધારણ સામાન્ય કેળવણી ઉપરાંત ફારસી અને અરબ્બી શીખતા. મુનશીઓ અને આખુંદજીઓ શીખનારને ઘેર જઈને અગર તેમને પોતાને ઘેર બોલાવીને શીખવતા. 'અલેફ–બે–અગારા, આખુંદજીકા પેટ નગારા, અલેફ–બે હુવા, આખુંદજીકા મર ગયા બુવા’ આવી લીંટીઓ છાની છાની મશ્કરીમાં બોલાતી. આમદન નામું શીખીને ગુલસ્તાન બોસ્તાન વંચાતાં. આમ છતાં પણ મુસલમાની રાજ્યને અંતે અને પેશ્વાઈ અને ગાયકવાડી એ હિંદુ રાજ્યોના થયા પછી સંસ્કૃત અભ્યાસ તરફ લોકોની રૂચિ વળી હતી. ફારસી અને અરબ્બી અભ્યાસનું પ્રાબલ્ય ધીરે ધીરે ઘટવા માંડ્યું હતું. સાંકડી ગલીમાં થઈને જતા હોઈએ અને ગાંડો હાથી પછવાડી પડ્યો હોય તોપણ नगच्छेज्जैन मंदिरे એ જેમ કહેવામાં આવતું તેમ नवदेद्यावनीं भाषाम् એ વાક્ય આ સમયમાં થયું હોય એમ લાગે છે. અમારા નાનપણની વાત અમને સાંભરે છે કે જમવા નાહ્યા પછી જો ભૂલે ચૂકે 'બસ' કે એવો શબ્દ બોલાઈ જાય તો ફરી નહાવું પડતું. ફારસીના અભ્યાસે કૃષ્ણરામ મહારાજને ભડકાવ્યા હોય એમ જણાય છે. તેઓ ફરીઆદ કરે છે કે:—

“ફારસીઓના હરફ વશ્યા વિપ્રની વાણે
"ગઝલ રેખતા તરફ ગમતા દીઠા ગાણે.”