પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૧
હુન્નર–કળાઓ.

 વાંચવાની ભલામણ કર્યા વગર રહેવાતું નથી. સ્વ. નવલરામના જ બોલમાં કહીએ છઈએ કે ‘અમને નિશ્ચય છે કે જે એકવાર એ હાથમાં વાંચવા લેશે તેનાથી તે નિબંધ પૂરો કર્યા વિના હેઠે મૂકાવાનો નથી.’ આપણા દેશમાં ઘણા હૂન્નર અને ધંધા છે પણ તેના સંબંધી માહિતીને સારૂં પુસ્તકોની ઘણી જ જરૂર છે. આવું વિશાળ ક્ષેત્ર છતાં નવાં પુસ્તકો થતાં નથી એ શોચનીય છે.

જે સાઠીની હકીક્ત અમે આપીએ છઈએ તેમાં લોકો કેળવણીમાં ઘણા પછાત હતા તે અમે કહી ગયા છઈએ. ઘણી ઘણી તરેહના વ્હેમો આવા કાળમાં પ્રચલિત હોય જ. તે કાળમાં લોકોની શ્રદ્ધા જાદુ, મુઠ, ચોટ વગેરે ઉપર વિશેષ હતી. માણસ માંદુ પડે કે કીઆ વૈદ્યને બોલાવવો એના કરતાં કોની પાસે દોરો કરાવવો કે પાણી મંત્રાવવું એ વિચાર પહેલો થતા. આવી સ્થિતિ હોવાથી જાદુનું ભોપાળું ઉઘાડવાને માટે સ્વ. દુરાઘારામ મહેતાજીએ ઘણો પ્રયાસ કર્યો હતો. ‘એમના પ્રયાસથી ‘જાદુ’ પક્ષે વ્યવહારી પ્રત્યક્ષ ફળ થયું હતું. વિચાર પ્રસિદ્ધ કરવાની જુક્તિ દુરઘારામમાં સરસ હતી. જાદુના વ્હેમમાંથી લોકને મુક્ત કરવા સારૂ તે ખોટો છે અને જે કોઈ ખરા ઠેરવી આપે તો તેને અમે ઈનામ આપવા તૈયાર છૈએ એવી મતલબની જાહેરખબરો છપાવી ( સુરતમાં ) ભાગોળે, દરવાજે અને ચકલે અકેલે ચોડી દીધી અને જે મોટા મોટા ભુવાઓ કહેવાતા તેને ઘેર પણ મોકલી. મહેતાજીની સો જાહેરખબરો કરતાં પણ જબરી જીભે એ વાત ફેલાવી હશે તે તો જૂદી જ. શહેરમાં હોહા થઈ ગઈ. સુરતમાં મળતી માનવધર્મ સભાની ત્યાર પછીની બેઠકને દિવસે એકદમ બે હજાર આદમી ભેળું થઈ ગયું. સો બસેં સભાના માળમાં માયા, અઢીસેંક તે માળની અગાસીમાં બેઠા, અને બાકીના બધા બારણે જ ઉભા ઉભા ધક્કામુકી કરવા લાગ્યા; જાદુનો ફાંકો ધરાવનારા પણ આવ્યા હતા; મહેતાજીએ એ બધી ઠઠ સાંભળે તે પ્રમાણે જાદુ ખોટો છે એવું હમેશની ઢબે ભાષણ આપ્યું, જાદુથી ઠગાયલા ચારપાંચ જાણીતા માણસો (જેને સભામાં ખસુસ સમજાવી આણ્યા હતા ) તેઓએ ઉઠીને પોતાની જાતની વીતેલી હકીકત કહી સંભળાવી.