પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૨
સાઠીનૂં વાઙ્ગમય.

 અને છેવટે મહેતાજીએ બારીએ જઈ બુમ પાડી કે કોઈ જાદુગર કે મંત્ર શાસ્ત્રી છે ? હોય, તો આવે અને જાદુ ખરો કરી આપે. જાદુગરો સામા ઉભા હતા. પણ, કોઈની હિમ્મત ચાલે નહિ. એમ કેટલીકવાર બુમ પાડ્યા પછી, તથા રાહ જોયા પછી સભામાં એકે પોકારીને કહ્યું કે જાદુની વાત ખોટી છે અને તેથી કોઈ આવી શકતું નથી ! આ રીતે પહેલે તડાકે જ સુધારાનો ડંકો થયો. લોકને આ વાતનો રસ વધ્યો, અને તેમાં વજો કરીને એક જૂસ્સાવાળો પણ ભોળો ભૂવો હતો તે પોતાની પાસે તો જાદુ નહિ છતાં જાદુ ખોટું કેમ હોય એવા ભરમની ખાતર જ સામો થયો, લડ્યો, આથડ્યો, ને બહુ બહુ તરફડીઆં માર્યાં. આથી મહેતાજીની જીત સંપૂર્ણ થઈ. સામસામા જાહેરનામાંઓ ચાલ્યાં, ચાર પાંચવાર સભાઓ મળી. સુલેહનો ભંગ થવાનો વખત પાસે આવવા લાગ્યો, મારામારીની તૈયારીઓ થઈ. ફોજદારે ડરીને એ બે પક્ષવાળાને તકરાર કરતા અટકાવવા ઉપરીપર લખાણ કર્યું. અને છેલ્લી સભાને દહાડે તો છૂ થઈ ગએલા છુમંતરવાળા બસેં ઠગારાઓનું ટોળું તાળીઓ અને ચીસો પાડતું મહેતાજીની પૂંઠે લાગ્યું. અને મહેતાજીનાં ભાગ્ય કે ચાલતાં સ્વ. દાદોબાનું ઘર આવી પહોંચ્યું, નહિ તો પેલા દુષ્ટો હાડકાં ભાગી જ નાંખત !’ ‘જેઓ માનવધર્મ સભાના સભાસદોને તથા તેમના આગેવાનોને નાસ્તિક તથા ધર્મભ્રષ્ટ કરી નિંદતા અને ધિક્કારતા હતા તેઓ આ જયથી તાજુબ થઈ નરમ પડ્યા. ભૂત, ડાકેણ, અને જાદુના વહેમને મોટો ધોક્કો લાગ્યો. ઉગતી પ્રજાના મન ઉપર સારી અસર થઈ અને મોટી ઉમરના જે માણસો થોડો ઘણો વિચાર કરી શકે તેવા હતા તેઓ પણ કાંઈક ચેત્યા. ઉંચવર્ણની સ્ત્રીઓમાં ભૂત ઓછાં આવવા લાગ્યાં. તેમના મનમાં ફજેતીની ધાસ્તી પેઠી.’

સુરતમાં આવો સ્હોર મચ્યો હતો, તેમ અમદાવાદમાં પણ કવીશ્વર દલપતરામના ‘ભૂતનિબંધે’ અને ખુશાલરાયના ‘ડાકણનિંબંધે’ આ વહેમને સારા ફટકા લગાવ્યા હતા. આ નાની ચોપડીઓએ પ્રજાનું બહુધા કલ્યાણ કર્યું છે. લગભગ આવા જ સમયમાં અમદાવાદના વ્યાસ ઇચ્છાશંકરે ‘જાદુકપટ પ્રકાશ’ નામનું પુસ્તક સન ૧૮૬૮ માં પ્રગટ