પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૬
સાઠીનૂં વાઙ્ગમય.

 કયાં કયાં પુસ્તકોની હસ્તલિખિત પ્રતો આજે છે, તે ક્યારે ને કોણે રચેલ છે વગેરે ઉપયોગી હકીકતોનું ટીપ્પણ તેમાં યોગ્ય રીતે થયેલું છે.

(૧૩) પંડિત ફતેહચંદ કપુરચંદ લાલન તરફથી જૈનધર્મપ્રવેશિકા, શુદ્ધોપયોગ વગેરે પુસ્તકો પ્રકટ થયાં છે. પંડિત લાલનની પદ્ધતિ વખાણવા લાયક છે. તેઓ શાંતિનો પ્રસાર થાય તેવાં પુસ્તકો પ્રકટ કરે છે. જૈનધર્મ પ્રવેશિકા જેવાં પુસ્તકો એ પંડિત લાલનનાં સ્વતંત્ર પુસ્તકો છે. પંડિત લાલને, ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ એ, ઘડિયાળી સાકરચંદે અને શ્રીયુત્ શીવજી દેવશીએ જૈનકોમના જુના વિચારોમાં નવા વિચારોનું મિશ્રણ કરાવી કેટલુંક અજવાળું પાડ્યું છે. આથી બેશક સંરક્ષક વૃત્તિનો વર્ગ ચમકે છે પણ અમને તો લાગે છે કે પંડિત લાલન અને શિવજીની કંપની જૈનકોમની જે સેવા બજાવે છે તે નિંદાપાત્ર નહિ પણ પ્રશંસા પાત્ર છે.

(૧૪) મી. હરજીવન રાયચંદને આપણે ભક્તામતાર સ્ત્રોતને કલ્યાણમંદિર સ્ત્રોતના ભાષાંતર કર્ત્તા તરીકે જોઈ શકીએ છીએ. ભાષાન્તરો ગદ્યપદ્ય બંનેમાં કર્યાં છે. દીગંબર જૈન લેખકોમાં એ એક જ ભાઈએ ગૂજરાતી ભાષાંતરો બહાર પાડ્યાં છે. બીજા કોઈ ભાઈઓ વિષે અમને માહિતી નથી.

(૧૫) ભાવનગર નિવાસી કવિ ઉમેદચંદ્રજી મહારાજ તરફથી માણેકચંદ ચંપાવતી ચરિત્ર, ઉમેદચંદ્ર બાવની વગેરે લખાયાં છે. તે જો કે સ્વતંત્ર લેખ જેવાં છે. પરંતુ જોઈએ તેવી ખૂબી નથી. તોપણ તેમના પ્રયત્નને વખાણીશું.

(૧૬) કાઠિયાવાડના માજી ડે. આસિ. પોલી. એજંટ રા. બા. ભીમજી મોરારજી જેમણે પોતાની કોમના વિધાર્થીઓના લાભ માટે રૂ. ૨૫૦૦૦ યુનિવર્સિટીને તથા રૂ. ૧૫૦૦૦ કાઠિયાવાડની જુદી જુદી સ્કૂલોને આપ્યા છે, તેમણે પોતાના મરણ પહેલાં “વૃત્તશિક્ષા” “મૂર્ત્તિ પૂજા”, “સંપની જરૂર”, એ લઘુ પુસ્તકો રચીને પ્રસિદ્ધ કર્યાં હતાં. આ તેમના સ્વતંત્ર લેખ છે. તેમાં જૈન શ્વેતાંબર વ્રત ઉપર તેમણે જે “વ્રતશિક્ષા” લખેલ છે તે જુના વિચારવાળા જૈનાએ ખાસ લક્ષમાં લેવાની જરૂર છે.