પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૫
સામયિક પત્રો અને છાપખાનાં.

લઈ જવાને માટે 'આંગડીઆ' તૈયાર હતા. એક શહેરથી બીજે શહેર કાશદો જતા અને એમની માર્ફતે બીજા કાગળો પણ મોકલાવાતા. આવા કાગળો ખબર ફેલાવતા.

માલ મોકલવાનાં સાધનોમાં 'વણઝારો' હતી. એ લોકો પણ દેશ પરદેશ જ્યાં જ્યાં જતા ત્યાં ખબર ફેલાવતા. આવી વણઝારો અને વેપારીઓના કાગળ મારફત ખબરો વિજળીને વેગે ફેલાતી. છેક સન ૧૮૯૧ માં મણિપૂરની હકીકત વર્તમાનપત્ર દ્વારા મળે તે પહેલાં ઘણા દહાડાથી અલાહાબાદ અને ઉત્તર હિંદનાં બીજા શહેરનાં બજારોમાં ફેલાઈ રહી હતી  !

મોગલ શહેનશાહતમાં ખબરો લખી મોકલનારું ખાસ ખાતું હતું. તેમજ દરેક દેશી રાજ્યમાં ખબરપત્રીઓ રહેતા હતા. આ લોકો પોતપોતાના ગામ-શહેરની ખબરો નિયમિત રીતે રાજ્યના મથકે લખી મોકલતા.

પોતાના 'અયોધ્યાના રાજ્યમાં મુસાફરી' નામના ગ્રન્થમાં કર્નલ સ્લીમેને આવા ખબરપત્રીઓ-અખબાર નવેશોનું વર્ણન કર્યું છે. અયોધ્યાના રાજ્યમાં જ છસેં સાઠ ખબરપત્રીઓ હતા, અને તેમનું માસિક ખર્ચ રૂ. ૩૧૯૪ થતું ! આવા અખબાર નવેશ લાંચ લઈને અમુક બનાવ ઉપર ઢાંકપિછોડો પણ કરતા. અંગ્રેજી રાજ્યનો એક મેજીસ્ટ્રેટ અયોધ્યાના મુલકમાં કોઈ બદમાસને પકડવા ગયો હતો, અને ત્યાં ઝપાઝપી થતાં એક માણસ માર્યો ગયો હતો. એણે ખબર લખનારાને તેડાવીને ખૂશ કર્યો અને આ બનાવની વાત રાજા, દરબાર, રેસિડેન્ટ કે કોઈએ જાણી નથી ! કર્નલ સ્લીમેન એક બીજા અયોધ્યાના અમલદારની વાત પણ લખે છે. રજપુત જોડે તકરારમાં એ અમલદારે ઠીક માર ખાધો હતો. પોતાની આ હકીકત બધાના જાણવામાં આવે તો પોતાનું અપમાન થાય સમજી ચોતરફ ફરતા વિસ વિસ ગાઉ સુધીના અખબાર નવેશોને ફોડીને આ વાત દબાવી દેવડાવી હતી ! આવા અખબાર નવેશો માત્ર રાજ્યમાં જ રહેતા એમ નહિ. મોટા વેપારીઓ પણ જુદાં જુદાં શહેરોમાં પોતાના ખબરપત્રીઓ રાખતા. વેપારીઓના કાગળમાં આવી ખબર લખવામાં આવતી તે સરકારની જાણબહાર નહતું. સને ૧૮૫૭-૫૮