પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૦
સાઠીનૂં વાઙ્ગમય.

આખા હિંદુસ્થાનમાં બીજું વર્ત્તમાનપત્ર ‘મુંબાઈ સમાચાર’ સને ૧૮૨૨ ના જુલાઈની પહેલી તારીખે પ્રગટ થયું હતું. બંગાળાના ‘કૌમુદી’ અને ‘સમાચાર દર્પણ’ હાલ હયાત નથી પરંતુ આપણું ‘મુંબાઈ સમાચાર’ કોઈ પણ વખત બંધ પડ્યા સિવાય અઠ્યાશી વર્ષથી પોતાની માનભરી જીંદગી ગુજારે છે. દીનપરદીન આ વૃદ્ધ વર્ત્તમાનપત્ર આબાદી પામે છે અને પોતાની સ્વતંત્ર, શાંત અને નિસ્પૃહ વાણીથી દરેક સવાલની ગંભીર ચર્ચા ચલાવીને તેમ જ રાજા અને પ્રજા વચ્ચે સંતોષ વધારીને પોતે પ્રતિષ્ટા પામ્યું છે. સને ૧૮૨૨ માં દેશી ભાષામાં–ગુજરાતીમાં–વર્ત્તમાનપત્ર કાઢવું એ ઘણું જોખમ ભર્યું કામ હતું. આજના સમામાં ૧૮૨૨ની મુંબાઇનો ખ્યાલ આપવો મુશ્કેલ છે. તે કાળે શું શું હતું તે કહેવા કરતાં શું શું નહોતું એ કહેવું ઠીક પડશે. તે વખત ‘ટાઉનહોલ’ નહોતો; દેશીઓને માટે કેળવણીની કોઈ પણ સંસ્થા નહોતી; દેશીઓને માટે કોઈ પણ ભોજનગૃહ અથવા રહેવાની સોઇ નહોતી; કોઇપણ બેંક નહોતી; એક જૂનું હોટલ હતું જેમાં કોઈ ભાગ્યે જ રહેતું; હુન્નર કારીગરી શીખવતી કોઈ પણ સંસ્થા નહોતી; દૈનિક વર્ત્તમાનપત્ર નહોતું; ભરતી ઉતરી ગઈ હોય તે સિવાય કોલાબે પણ જવાતું નહિ ! કોઈ પણ જાતનાં વરાળયંત્ર નહોતાં અને રેલવે પણ નહોતી. હાલ જેને આપણે સુધારાનાં ચિન્હ કહીએ તેમાંનું કશું નહોતું. બધું સડાવાળું હતું. ન્યાયની હાઈકોર્ટ નહોતી. તે વખતે માત્ર બે ઇંગ્રેજી વર્ત્તમાનપત્ર હતાં. એ બન્ને હાસ્યાસ્પદ હતાં. તેમાં ઇંગ્લાંડના પત્રોના ઉતારા જ બહુધા આવતા. કવચિત્ કોઈ ચુકાદાની હકીકત, નાચ, ખાણું અગર ખાનગી નાટકની હકીકત સિવાય અધિપતિયોને ભાગ બીજું લખવાનું ભાગ્યે જ આવતું. જ્યાં ઇંગ્રેજી વર્ત્તમાનપત્રોની હાલત આવી હતી ત્યાં દેશી વર્ત્તમાનપત્ર કાઢવું કેટલું જોખમ ભર્યું હતું તે સહજ સમજાશે. પોતાના ધંધાની ‘જાહેર ખબર’ આપવી એટલે શું એ ધરાધરી સામાન્ય લોકો સમજતા નહોતા ! કેટલાંક વર્ષો સુધી ‘સમાચાર’ ના અધિપતિ પોતાના પત્રમાં છેવટે છાપતા કે “અમે સઘળાને વિનતી કરીએ છીએ કે તેમણે અમને બધી ખરખબરો મોકલવી. કોઇ વસ્તુ વેચવી હોય અગર લેવી હોય એવા સાટાની અમને ખબર કરવી.