પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

તેવખતની સ્થિતિને અનુસરીને લખાયાં હતાં. વિધવા વિવાહના તકરારી વિષય માટે પણ ‘વેનચરિત્ર’ નામનું કાવ્ય લખીને સંમતિ દર્શાવી છે. છોકરીઓની નિશાળમાં શિખવવા સારૂ એમણે ‘ગરબાવળી’ તૈયાર કરી હતી તે છેક સ્વ. નવલરામજીની ગરબાવળી લખાઈ ત્યાં સુધી દરેક નિશાળમાં શિખવવામાં આવતી. એરિસ્ટોફેનીસના પ્લોટ્સનું અનુસરણ કરીને ગુજરાતીમાં પહેલવહેલું–કવિ પ્રેમાનંદના પછીથી પ્રગટ થએલાં નાટકોને ન ગણતાં–‘લક્ષ્મી નાટક’ નામે નાટક એમણે અને ફોર્બ્સ્ સાહેબે લખ્યું હતું. એ હાસ્યરસ ભરેલું નાટક છે. ફોર્બ્સ્ સાહેબને ઘરગતુ શબ્દજ્ઞાન થવા સારૂ અને દેશી સ્ત્રીઓ માંહેમાહ કેવી વાતચીત કરે છે તે બતાવવા સારૂ લખેલું ‘ સ્ત્રી સંભાષણ ’ મઝેહનું નાનકડું પુસ્તક છે. કોઇને લાગે કે વખતે સ્ત્રીઓ વાતો કરતી હોય તે વેળા ખાસ સંતાઈ રહીને તે લખી લીધું છે કે શું ? એ નાના પુસ્તકની ઘણીએ આવૃત્તિયો થઈ છે અને લોકપ્રિય છે.

કવીશ્વરે જૂની ગુજરાતી કવિતા એકઠી કરવાનું કામ પહેલ વહેલું જ ઉપાડ્યું હતું. એમને મળી આવેલી જૂની કવિતાઓ ઘસાઈ ઓપાઇને પ્રગટ થઇ છે એમ કેટલાકનું ધારવું છે. જે કાળે એ કવિતા બનાવાઇ તે કાળની ભાષા નથી એમ અમારૂં માનવું છે; એટલું જ નહિ પણ ઉલટું એ કવિતા ઉપરથી કવીશ્વરે ગુજરાતી ભાષામાં ત્રણસેં ચારસેં વર્ષે પણ કશો ફેર પડ્યો નથી એવો પૂર્વ પક્ષ ઉઠાવવાનો યત્ન કર્યો હતો ! આમ હોવા છતાં પણ એમનાં ‘કાવ્યદોહન’ નાં બે પુસ્તકોની એકથી વધારે આવૃત્તિયો થઈ ને હજારો નકલો ખપી ગઈ એ તેની લોકપ્રિયતા સાબીત કરે છે. એમના હાસ્યરસના નમુના રૂપ અને બેઠી મશ્કરીઓ ભરેલું ‘મિથ્યાભિમાન નાટક’ ગુજરાતી પ્રજાની જાણ બહાર નથી. જાહેર કરેલા ઇનામને સારૂ એ પુસ્તક લખાયું હતું, અને લખાવનારને એ નાટક એવું તો પસંદ પડ્યું કે તેણે છાપેલી ઈનામની રકમ કરતાં બમણી રકમ આપી હતી. પોતાના ઈષ્ટ મિત્ર ફોર્બ્સ્ સાહેબે સને ૧૮૫૨ માં ઇડર મુકામે કવિયોનો મેળો કર્યો હતો તેના સંભારણા માટે લખેલો ‘ફાર્બસ વિલાસ’ જૂના ભાષાના કવિયોની શૈલીનો મનોરંજક ગ્રંથ છે. એ ગ્રંથમાં તેમણે તે