પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

ખખ્ખરના ભાષાન્તરમાં આવી ધૃષ્ટતા થઈ છે ! એમ થવાથી રા. ખખ્ખરે કોઇ બીજાજ ઉતરતી પંક્તિના કાલીદાસનો ચિતાર આપ્યો છે. નવી આવૃત્તિમાં જોડણી વિષયે એમણે કરેલા તરેહવાર ફેરફારને સારૂ લખવાનું આ સ્થળ નથી.

જે વર્ષમાં રા. ખખ્ખરનું શાકુન્તલ નીકળ્યું તેજ વર્ષમાં રા. યાજ્ઞિકે પોતાનું ભાષાન્તર બહાર પાડ્યું હતું. એમણે પોતાથી બને એટલો શ્રમ કરીને પોતાના અનુવાદમાં પ્રૌઢી, સરળતા, અને લાલિત્ય આણ્યું છે. જો કે કોઈ કોઈ સ્થળે પદ્યના અનુવાદમાં મૂળના એક શ્લોકને બદલે યુગ્મ અને ત્રિક કર્યાં છે અને તેમ કરતાં મૂળ ભાવને અનુસરીને કેટલાક પોતાના ભાવ પૂરવાની એમને ફરજ પડી હોય અને લંબાણથી સમજાવવાને અંગે દોષ થયો હોય એમ જણાય છે. આમ છતાં પણ એમનું ભાષાન્તર વાંચવું ગમે છે અને સમગ્ર રીતે જોતાં રા. ખખ્ખરના ભાષાન્તર કરતાં બેશક ચઢીઆતું બન્યું છે. એની પણ બીજી આવૃત્તિ થઇ છે.

ભાષામાં આ અપૂર્વ નાટકના બે અનુવાદ છતાં પણ છેક થોડાં વર્ષ ઉપર પ્રગટ થયેલા ત્રીજા અનુવાદને આવકાર આપ્યા વગર ચાલતું નથી. રા. ઠાકોરે આ નાટકના પોતાના અનુવાદમાં કાલીદાસ કવિનો ભાવ, રસ જાળવવા તરફ ખાસ ધ્યાન રાખીને અક્ષરશઃ અનુસરવા પ્રયત્ન કર્યો છે. એમનું ભાષાન્તર પ્રથમ થયેલાં બન્ને ભાષાન્તરો કરતાં મૂળને વધારે અનુસરતું છે. કવિના મનના ભાવ કેટલીક જગાએ યથાસ્થિત ચિતર્યા છે. પરંતુ કેટલીક જગાએ તેમ કરી નથીએ શકાયું. એમના ભાષાન્તરમાં એક બાબત સર્વનું ધ્યાન ખેંચે એવી છે. અને તે પ્રાચીન વૃત્ત ગણના બંધારણ અને માપની એમણે કરેલી અવગણના. જેઓને પ્રાચીન ‘ઝાંઝર’ નાનાં પડતાં લાગે છે તેઓ સુંદર ઘાટદાર નવાં ‘ઝાંઝર‘ ( પણ તે ‘ઝાંઝર’ ને માધુર્ય નિયમના બન્ધનો, તો ખરાંજ ) જ્યાં સુધી ન રચે, ત્યાં સુધી જૂનાં ઝાંઝરો તો રહેવાનાંજ. નવા સુવર્ણકારો અંકોડાને ટીપીને કે એક બીજા ઉપર ચઢાવી દઈને કે બીજા સાથે સજ્જડ જકડીને મેળ મેળવવા માગશે, તો તેઓના ઘાટ કોઈ રસિક મનોવૃત્તિને તો ભાગ્યેજ ગમશે.’