પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
92
સત્યની શોધમાં
 14
ધર્મપાલજી

રાત્રિના ત્રણચાર બજ્યે જ્યારે શામળ ઉઘાડા આકાશની નીચે આવી ઊભો રહ્યો, ત્યારે એના અંતઃકરણમાં શાંતિ અને મુક્તિનાં ચોઘડિયાં ગુંજતાં હતાં. દસ વર્ષની એ છોકરીના મોંના વીણા-સ્વરો હજુ શમ્યા નહોતા. એ ચકિત બનીને પોતાનું નિરીક્ષણ કરતો હતો. એ મનમાં મનમાં કોઈને પૂછતો હતો કે સાચે જ શું હું હવે ચોરભાઈ નથી ? હું શું બબલાદાદાનો ભાઈબંધ ઉઠાઉગીર મટીને આટલા ટૂંકા સમયમાં જ સજ્જન બની ગયો ?

બાકીની રાત એણે રસ્તા પર ટહેલ્યા જ કર્યું. બબલાની પાસે એને પાછા જવું નહોતું. કેમ કે એને બબલાનાં મહેણાંટોણાંનો તેમ જ એની સચોટ દલીલોનો ડર હતો. બીક હતી કે બબલો ફરી પાછો એને પિગાળી નાખશે. બીજી બાજુ નિર્દોષ નાની વીણાને આપેલ વચન પણ પાળવું જ જોઈએ. એણે રસ્તેથી એક કોલસો ઉપાડી દાંત ઘસ્યા, ટાંકીને નળે મોં ધોયું.

થાકીને લોથપોથ થયેલો તોયે આનંદભર્યો એ પ્રભાતે આઠ વાગ્યે પંડિત ધર્મપાલજીના બાગવીંટ્યા નાજુક બંગલા પર આવી ઊભો રહ્યો. બંગલાની રચનામાં જ એણે તમામ ભિન્ન ભિન્ન ધર્મો અને પંથોનાં ચિહ્નો ગોઠવાયેલાં દીઠાં. મંદિરનો કળશ, મસ્જિદનો મિનારો, ખ્રિસ્તી દેવળનો ક્રૉસ વગેરે એ બાંધણીના વિભાગો હતા. ઉપર ફરકતી ધજામાં લીલા, શ્વેત, લાલ, ભગવા ઈત્યાદિ તમામ પંથોનું પ્રતિનિધિત્વ કરતા રંગો હતા.

દ્વાર ખખડાવ્યું, ઊઘડ્યું. બેઠકના ખંડમાં એને દાખલ કરીને બેસાડવામાં આવ્યો. તુરત જ એક મુખ ડોકાયું : દસ વર્ષની વીણાનું જ – પોતાની ઉદ્ધારિણી નાની કન્યાનું જ – એ મોં હતું. દોડતી કૂદતી વીણા પાછી અંદર ગઈ, ત્યાંથી એના બોલ સંભળાયા : “એ જ –