પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
94
સત્યની શોધમાં
 

 “આપની મહેરબાની.”

“તો, તમે સાચે જ શું મારું ઘર ફાડીને પેઠેલા ગઈ રાતે ? ખેર ! કંઈ નહીં તેનું. પણ આ તો તમે જીવનમાં પહેલી જ વાર કરેલું ને ? પંડિત ધર્મપાલ દાઢી પસવારતા બોલ્યા.

“જી, પહેલવહેલું જ.”

“પણ તમને આ છંદે ચડાવ્યા કોણે ?”

“મારી જોડે એક બીજા ભાઈ હતા. એનું નામઠામ તો મારાથી ન જ કહેવાય તે આપ સમજી શકો છો.”

“ઓહો ! એણે આ ચાળે ચડાવેલ તમને ? અગાઉ કદી તમે ચોરી કરી જ નથી  !”

“નહીં – કદી નહીં.” શામળના મોં પર રોષની લાલિમા ઊપડી.

“પણ આ વખતે તમે કેમ એ કર્યું ? તમને કોઈએ ચોરીનું કૃત્ય શીખવ્યું છે ?”

“જી હા. પણ એ મને કોઈએ સીધેસીધું નથી શીખવ્યું. ચોરીને ચાળે ચડવું એ કંઈ આપ ધારો છો તેટલું સહેલું નથી. એ તત્ત્વજ્ઞાન તો મેં પ્રો. ચંદ્રશેખરજી કનેથી –”

“પ્રો. ચંદ્રશેખર ! તમે એમને મળ્યા છો ?”

“જી હા.”

“પણ એને ને આ ચોરીને શું ?”

“એમ કેમ કહો છો, સાહેબ ? એમણે મને ઠસાવ્યું કે લાયક અને સમર્થ હોય તે જ જીવી શકે; અને કહે કે શામળ, તું અશક્ત ને પરાજિત છે તેથી ભૂખે મરે છે. પછી હું દિત્તુભાઈ શેઠને મળ્યો –”

“ઓહો ! દિત્તુભાઈને ?” પં. ધર્મપાલની આંખોમાં અચંબાના ચમકારા થઈ રહ્યા.

“હા જી. પ્રોફેસરસાહેબે મને કહેલું કે દિત્તુભાઈ દુનિયાના એક લાયક, વિજયી અને ભાગ્યશાળી પુરુષ ગણાય. પણ મેં તો જોયું કે એ દારૂ પીએ છે, બીજાં ઘણાંયે દુષ્ટ કૃત્યો કરે છે. એટલે મને થયું કે તો