પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધર્મપાલજી
95
 

પછી મારે શીદ ભૂખે મરવું ? મારે વળી શીદ નીતિ-અનીતિનો વિચાર કરવો ? મારે પણ સામી બાંયો ચડાવીને જગતના સંગ્રામમાં ટક્કર લેવી, ને બની શકે તો જીવવું. પછી મને ભેટી ગયા પેલા ભાઈ બ… એક મવાલી. એણે મને ઉઠાઉગીર થવાનો કસબ બતાવ્યો.”

“છોકરા !” પંડિતજીને આ બધી વાક્‌પટુતા લાગી, “તું મારી હાંસી કરે છે કે ?”

“હાંસી” શામળનું મોં ફાટ્યું રહ્યું, “આને આપ હાંસી કહો છો, મહેરબાન ?”

એ ધાર્મિક પુરુષને ફરી પાછી આ યુવાનની ગંભીરતા કળાઈ આવી. એણે શામળની આખી જીવનકથા પૂછી કાઢી. અને પ્રો. ચંદ્રશેખર સાથેના મેળાપની વાત તો એને એટલી અસહ્ય લાગી કે એનું દિલ કકળી ઊઠ્યું : “ઓહોહોહો, ભાઈ શામળ ! આટલી ભયાનક વાત તો મેં આજે જ સાંભળી.”

“શા પરથી એને આપ ભયંકર કહો છો, સાહેબ ?” શામળને નવો અચંબો જન્મ્યો, “એમાં શું ખોટું છે ? જીવનના સંગ્રામમાં તો જે બુદ્ધિનો બળિયો ને શક્તિનો ચડિયાતો હોય તે જ ટકી રહે; બીજાએ ચગદાવું જ રહ્યું.”

“ઓ પ્રભુ ! પંડિત ધર્મપાલને આઘાત થયો, “અત્યારની કૉલેજોમાં આવું અધાર્મિક અને જડવાદી જ ભણતર ભણાવાઈ રહ્યું છે ? આને એ લોકો વિજ્ઞાન કહે છે, આને આધુનિક સંસ્કૃતિ કહે છે !”

અકળાયેલા ધર્મપુરુષ ઊભા થઈને ટહેલતા ટહેલતા બોલવા લાગ્યા : “ભાઈ શામળ, હું હંમેશાં મારાં વ્યાખ્યાનોમાં કહેતો આવ્યો છું કે આવા ભણતરને પરિણામે જ નીતિનો નાશ થવાનો. એ આજ મેં સાક્ષાત્‌ દેખ્યું. એ હર્બર્ટ સ્પેન્સર જેવાનાં ઝેર પાઈને તારા જેવા એક નીતિવંત બાળકનું સત્યાનાશ કાઢી નાખત.”

“ત્યારે એ હર્બર્ટ સ્પેન્સર અને માલ્થસ વગેરે મહાપુરુષોનું કહેવું શું ખોટું છે ?” શામળ જાણે ગૂંગળાતો હતો.