પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
96
સત્યની શોધમાં
 

“અરે બંધુ !” ધર્મપાલજી બોલ્યા, “હર્બર્ટ સ્પેન્સર સાચો ? કે આપણા કૃષ્ણ, મહાવીર, ગૌતમ બુદ્ધ, શંકર અને સહજાનંદ સાચા ? જીવન શું સંગ્રામ છે ? જીવનમાં શું બીજાને મારીને પોતે જીવવાનું છે ? કે પોતાનું બલિદાન દઈને બીજાને બચાવવાનું છે ? પોતાના સ્વાર્થ ખાતર પાપાચાર કરવાનો છે કે દુઃખોની છૂપી બરદાસ્ત કરવાની છે ? ઓ શામળ, તારાં માતાપિતાએ તને કાલ રાતે જોયો હોત તો તેઓ તને શું કહેત ? એને હૈયે કેવા શૂળા પરોવાત ?”

“ઓહ ! ઓહ પ્રભુ !” શામળને એ બાણ છાતીસોંસરું ગયું.

“ભાઈ મારા ! આપણી ફરજ તો મરીને પણ જગત પર ધર્મને જીવતો રાખવાની છે. આપણે તો સ્વાર્પણ કરવાનું છે; સહુ પર પ્રેમ રાખીને સેવા કરવાની છે. અરે ! “બળિયા હોય તે જ જીવે – બીજા ખતમ થાય !” એ તો અવળી વિદ્યા ! કોણે કહ્યું ? શું કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, ઈસુ વગેરેએ પરને લૂંટીને પોતાનો સ્વાર્થ સાધ્યો હતો ? કાલે રાતે તારી સામે પ્રભુ આવીને ઊભા રહ્યા હોત તો તું શો જવાબ આપત ?”

આ નામોશીની લજ્જા શામળથી ન સહેવાઈ. એ પોતાના મોં પર બન્ને હાથ ઢાંકીને પોકારી ઊઠ્યો : “બસ, મહેરબાન ! હું હવે એ બધું જ દીવા જેવું જોઈ શક્યો છું. હું પાપી બન્યો હતો !”

“ખરેખર,” ધર્મપાલજીએ તક સાધી, “તેં ઘોર પાપ આચર્યું છે, શામળ !” એણે શામળની આંખોમાંથી આંસુની ધારા વહેતી દેખી. બોલ્યા : “પણ ભાઈ, તારો એ દોષ નહોતો; તને તો કોઈએ દોર્યો હતો.”

“ના જી ના, મારું અંતઃકરણ જ મેલું હોવું જોઈએ. નહીં તો હું કેમ દોરવાઈ જાત ? પણ હું પ્રથમથી જ લાલચમાં લપટ્યો હતો, મફત ગાડીમાં બેઠો હતો; તે પછી પાપમાં પડ્યે જ ગયો.”

“ખેર ! હવે એ ગઈગુજરી થઈ. હવે તું એ પાપના પંથમાંથી બહાર નીકળી ગયો છે.” ધર્મપાલજીના એ શબ્દોમાં પોતાની વિજયપતાકાના ફફડાટ હતા.