સદાચારી થવામાં સુખ છે, પણ એથી જીવનની કેટલીક મઝા જાય છે હો !”
શામળનું મોં એની ગંભીરતા ન ત્યજી શક્યું. વિનોદિની જ હસી પડી. પછી શામળની સામે જોઈને એ ઓચિંતી બોલી ઊઠી : “તમારા ગળામાં આ દોરો શાનો ? તમારી ખિસ્સા-ઘડિયાળનો છે ને ? નથી સારો લાગતો. જોઉં તમારું ઘડિયાળ !”
એટલું કહેતાં જ પોતે ઊઠીને શામળની પાસે ગઈ, શામળ હજ વિચાર કરતો રહ્યો ત્યાં તો પોતે શામળના કંઠમાંથી એ કાળો દોરો કાઢીને ઘડિયાળ ખિસ્સામાંથી ખેંચી લીધું.
એના હાથ શામળના ગળાને અડક્યા. યુવાન ત્રમત્રમી ઊઠ્યો.
“ઓહોહો !” હસીને વિનોદિની બોલી, “આ તે ઘડિયાળ કે મોટો ડબો ?”
“અસલ રાસ્કોપનું છે. મારા બાપનું છે.” શામળે એ વસ્તુની પવિત્રતા સમજાવવા કહ્યું.
“છિત-છિત-છિત ! શામળજી, મારાથી આ જુનવાણી ઘડિયાળ જોવાતું નથી.” એમ કહીને વિનોદિનીએ પોતાના કાંડા પરથી નાજુક ઘડિયાળ છોડ્યું, કહ્યું, “એ તમારા પિતાનું છે તેને ગજવામાં મૂકો. લાવો તમારું કાંડું.”
ગુલાબની કળીઓ જેવી એ આંગળીઓ શામળના કાંડા ઉપર પોતાના ઘડિયાળનો પટ્ટો બાંધતી રમતી હતી. પોતે શામળની એટલી નજીક ઊભી હતી કે એના શ્વાસની હવા શામળના હૈયા અને મોં ઉપર ફરકતી હતી. એ કેસરી સાડીમાંથી મંદ મંદ ફોરતી રાત્રિના સેન્ટની ફોરમ અને દેહ પર ચોળેલ સુખડના તેલની મીઠી સુવાસ શામળના નાકને જાણે નશો પાઈ રહી હતી. એના ચહેરા ઉપર રુધિરની દોડધામ ચાલી. એના અંતરની કંદરાઓમાં જાણે વિકરાળ હિંસક પશુઓ હુંકારવા લાગ્યાં.
“હાં-બસ ! એમ.” વિનોદિનીએ ઘડિયાળ બાંધી લીધું ! “કેટલું