પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
118
સત્યની શોધમાં
 

સહાય કરવી. મેં આપના પર શ્રદ્ધા મૂકી છે. આપને પગલે હું ચાલવા તૈયાર થયો, ને હવે આપ જ મને નહીં દોરો ?”

આ શબ્દો ધર્મપાલજીના હૈયા સોંસરવા નીકળી ગયા.

શામળનું હૃદય પણ પિસાઈ જતું હતું. “પંડિતજી”, એના મોંમાંથી ચીસ નીકળી ગઈ, “આપ ધર્મપાલ થઈને, ગાયોના ગોવાળને સ્થાને હોવા છતાં, આ બાબત પર કેમ ચૂપ બેસી શકો ? ગરીબ ગાયો ભૂખે મરતી હોય ત્યારે આખલા લીલા ચરિયાણની મોજ ઉડાવે, એ દીઠા છતાંય ગોવાળ ચૂપ રહી શકે કે ?”

“ભાઈ શામળ !” હાથ મસળતાં પંડિત બોલ્યા, “તારી વાત ખરી છે. આવતા રવિવારે હું આ બેકારીના પ્રશ્ન પર જ વ્યાખ્યાન રાખીશ.”

“વાહ ! હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું, પંડિતજી !”

શામળની આંખોમાંથી આંસુની ધાર નીકળી ગઈ.

18

‘તમને ચાહું છું !’

‘કોઈ કોઈ વાર આંહીં આવતા રહેજો !’

એ વાક્યના ભણકાર કાને અથડાયા કરે છે. અહર્નિશ એ નિમંત્રણ દેનારની મુખમુદ્રા નેત્રો સામે તરવર્યા કરે છે. કલ્પના એની પછવાડે પછવાડે અનેક અદ્ભુત સાહસો તેમ જ પરાક્રમોમાં ઘૂમાઘૂમ કરે છે.

‘કોઈ કોઈ વાર આવતા રહેજો !’

હજુ તો ત્યાં ગયાને થોડા જ દિવસ થયા છે. સ્નેહનો ગમાર અજાયબ થતો હતો કે શું આટલા જ દિવસ થયા ! આખી દુનિયાની