લખાણ પર જાઓ

પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
134
સત્યની શોધમાં
 

જાણતા હો, ખરું ? મને એક વાર કહો, કે આપ આ બધું નહોતા જાણતા.”

“ના, ના, નહોતો જાણતો, ને હજુય નથી જાણતો. અફવાઓ સાંભળી હતી, પણ શું મારે હરિવલ્લભ દેસાઈ સાહેબ જેવા પુરુષ સામેનાં જે આવે તે ગપ્પાં માની લેવાં કે ?”

“પણ આ તો બધાં જ જાણે છે.”

“કોણ બધાં ? તને કોણે કહ્યું ? કહેનારે શી રીતે જાણ્યું ? કહેનાર પોતે કેવો શખ્સ છે ? શું એ ખાનદાન માણસ છે કે ?”

“જી, ના. ખાનદાન તો નથી જ.”

“ત્યારે પછી ? એ શું લોકસેવાનો દીક્ષિત છે કે ? શું એ કદી જૂઠું બોલતો નથી કે ? એના બોલવા પર તને હંમેશાં ઇતબાર છે કે ? કાલે તો એ કહેશે કે ધર્મપાલ રુશવતખોર અને બદમાશ છે, તો તું માની લઈશ કે ?”

શામળ વિમાસી રહ્યો. એણે કબૂલ કર્યું : “ધર્મપાલજી ! મારી ઉતાવળ થઈ છે. મારે આપની પાસે પૂરી ચોક્સી કરીને પછી જ આવવું જોઈતું હતું. હું જઈને ઊંડી તપાસ કરીશ. જો સત્યના પુરાવા મળશે તો આપની પાસે હાજર કરીશ, ને જો બધું જૂઠાણું જ માલુમ પડશે તો હું મારું મોં કાળું કરીને ચાલ્યો જઈશ; ફરી કદી આપને સતાવવા નહીં આવું.”

શામળની આ દિલગીરીભરી નમ્રતાની અંદરથી પણ નિશ્ચયનો એક અવાજ ઊઠ્યો, ને ધર્મપાલજીએ એ સ્પષ્ટ સાંભળ્યો. એમનો ફફડાટ ઊલટાનો વધ્યો. એમણે શામળને પંપાળ્યો : “પણ ભાઈ શામળ ! તારે આ બધી વાતોમાં માથું મારવાની જ શી જરૂર છે ?”

“આમાં માથું મારવાનો પ્રશ્ન ક્યાં છે, સાહેબ ? સત્યને તો શોધવું, જ રહ્યું ને ? જો આ બધા આક્ષેપો સાચા નીકળશે તો આપ એ અપરાધીઓને સમાજમાં ચાલુ રાખશો તેમ તો નથી ને ?”

“શામળ !” પંડિતજીએ ગંભીરતાથી કહ્યું, “આવી ભયાનક વાત