લખાણ પર જાઓ

પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
140
સત્યની શોધમાં
 

 “એટલે શું એમનો ભવાડો કરવાનો ડર દેખાડવો ?”

“પંડિતજી !” શામળ ગરવાઈથી બોલ્યો, “હું પણ એ જ વાતનો જોરથી વિચાર કરી રહ્યો છું. કોઈનો ભવાડો કરવાના કે કોઈને શિક્ષા કરવાના મતનો હું નથી. એથી ઊલટાં વૈર ને ધિક્કાર વધે છે – ને આપણાથી કોઈનો તિરસ્કાર તો ન જ થવો ઘટે.”

“હાં – શાબાશ, બંધુ !” ધર્મપાલજીએ શ્વાસ હેઠે મેલ્યો.

પરંતુ શામળે હજુ સમાપ્તિ નહોતી કરી. એ બોલ્યો : “પણ દુષ્ટ કૃત્યુ થયું છે તે જ વાત મુદ્દાની છે. લોકોની એ જે લૂંટણગીરી ચાલી રહી છે તેને રોકવી જોઈએ. પ્રજા પાસેથી ચોરાયેલી લક્ષ્મીનો આ પ્રશ્ન છે. દાખલા તરીકે, આપને ઘેરથી જે આદમી રૂપાનાં વાસણો ચોરી ગયેલો તેને જ હું આજે મળ્યો. મેં એને વચન આપ્યું કે એના દુષ્ટ આચરણની વાત હું ક્યાંય નહીં કહું. જેવું આપને આપના સાળા હરિવલ્લભનું લાગી આવે છે, તેવું જ મને એ ભાઈબંધનું લાગી આવ્યું. હું બેશક એને જેલમાં ન નખાવું. પણ એક વાત તો મારે કરવી જ પડી, કે ભાઈ, પેલી ચોરીનો માલ તો પાછો મૂળ ધણીને સોંપી દો. આપ જ કહો, મેં એ છે વાજબી કર્યું કે નહીં ?”

“તેં એ બરાબર કર્યું, ભાઈ !”

“બસ, તો પછી એ જ ન્યાય હરિવલ્લભ દેસાઈનો ઉતારવો રહ્યો. એણે લોકોને લૂંટ્યા છે, રુશવત આપીને એણે પાણીનો કંટ્રાક્ટ ઊંચા દરે પોતાના હસ્તક કર્યો, મહિને મહિને પ્રજા પાસેથી દસ હજારની ચોરી કરી છે. એ તમામ ચડત રકમ તેણે લોકોને પાછી આપવી અને કંટ્રાક્ટ છોડી દેવો. બસ, તો પછી એની ફજેતી કરવાની જરૂર નથી.”

ધર્મપાલ ચૂપ રહ્યા.

શામળે પૂછ્યું : “મારી વાત આપને સ્પષ્ટ તો થઈને ?”

“હા.”

“તો પછી ?”

“એ વાતમાં કશો સાર નીકળે તેવું નથી.”